RTE પ્રવેશમાં ભેદભાવ: શાળાઓ સામે કાર્યવાહી કરવા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની માંગણી
આજરોજ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન જમાલપુર-ખાડીયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ શિક્ષણ મંત્રીશ્રીને પ્રશ્ન પૂછેલ કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં RTE હેઠળ દાખલ થયેલ બાળકો સાથે થતા ભેદભાવની કેટલી ફરિયાદો સરકારને મળી, અને આ ફરિયાદ અન્વયે જવાબદારો સામે શાં પગલાં લીધા ? તેના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, અમદાવાદ શહેરમાં બાળકો સાથે થતા ભેદભાવની ૪ (ચાર) ફરિયાદો સરકારને મળી છે. RTE હેઠળ દાખલ થયેલ બાળકો સાથે ભેદભાવ રાખવા બાબતે ખાનગી શાળાઓની મળેલ ફરીયાદ અન્વયે જિલ્લા કચેરી દ્વારા કારણદર્શક નોટીસ પાઠવવામાં આવેલ છે.
શ્રી ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર દ્વારા સહુને શિક્ષણનો અધિકાર મળે તે હેતુસર RTEનો કાયદો અમલમાં લાવવામાં આવેલ, પરંતુ ગુજરાત રાજ્યમાં RTE હેઠળ દાખલ થયેલ બાળકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. ચાંદખેડાની એશિયન ગ્લોબલ સ્કૂલ અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ જેમ્સ ઝેનીસીસ સ્કૂલમાં RTE હેઠળ દાખલ થયેલા ગરીબ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે અને અમાનવીય વર્તન કરવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં અલગથી બેસાડવામાં આવે છે. આવા વિદ્યાર્થીઓને શાળા ખાતે આવેલ કેન્ટીનનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી અને રમતગમતના સાધનોનો પણ ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. DEOમાં આ અંગે ફરિયાદો થઈ છે પણ સ્કૂલને ફક્ત ને ફક્ત નોટિસ આપ્યા સિવાય તેની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવતી નથી.
શ્રી ખેડાવાલાએ જણાવ્યું હતું કે, ગરીબ વિદ્યાર્થીઓને RTE કાયદાની જોગવાઈ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓને એવા હેરાન કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓએ સ્કૂલ છોડીને જતા રહેવું પડે છે. આવી રીતે પ્રવેશ રદ્દ કરાવવાના કિસ્સાઓ વધતા જાય છે. વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ રદ્દ કરાવવાની સંખ્યા વધી ગઈ છે. સરકારે આવી શાળાઓને ફક્ત નોટિસ આપ્યા સિવાય તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી ઈમરાન ખેડાવાલાએ સરકાર સમક્ષ કરી હતી.