ગુજરાતમાં ગુના ઉકેલવાનું કામ થશે ઝડપી: રાજ્યને મળી ૨૮ નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાન
ગુજરાત સરકારે ગુનાઓની તપાસને વધુ ઝડપી અને વૈજ્ઞાનિક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં ગાંધીનગરથી રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે ૨૮ નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને લીલી ઝંડી આપવામાં આવી હતી. આ નવી વાનોના સમાવેશથી રાજ્યમાં કુલ મોબાઈલ ફોરેન્સિક વાનની સંખ્યા ૭૫ થઈ છે, જે ફોરેન્સિક તપાસની ક્ષમતામાં મોટો વધારો કરશે.
ગુનાના સ્થળે કે અકસ્માતના સ્થળે તાત્કાલિક પહોંચીને પુરાવા એકત્ર કરવામાં આ વાન અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ વાનો ફોરેન્સિક નિષ્ણાતોના અભિપ્રાયના આધારે તૈયાર કરવામાં આવી છે, જેમાં એનડીપીએસ ટેસ્ટ, ડીએનએ ટેસ્ટ, આગ કે અકસ્માત જેવી ઘટનાઓની તપાસ માટે જરૂરી તમામ અદ્યતન સાધનો અને ઉપકરણો ઉપલબ્ધ છે.
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ વાનો કેન્દ્ર અને રાજ્ય સરકારના અનુદાનથી ફાળવવામાં આવી છે અને તે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં મોટો ફાળો આપશે. આ મોબાઈલ ફોરેન્સિક લેબથી ગુનાઓની તપાસ વધુ ઝડપી અને અસરકારક બનશે અને ફોરેન્સિક સેવાઓ વધુ સુલભ થશે.