ગુજરાતમાં ઐતિહાસિક ચુકાદો: સગીર પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ૧૬ વર્ષના કિશોરને ૨૦ વર્ષની જેલ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ૧૪ વર્ષના સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના કેસમાં જુવેનાઈલ જસ્ટિસ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જજ મનીષ પ્રદ્યુમન પુરોહિતે દોષિત કિશોરને ૨૦ વર્ષની સજા અને ₹૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ ચુકાદો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત જુવેનાઈલ જસ્ટિસ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
આ કેસ જાન્યુઆરી ૨૦૨૪નો છે, જ્યારે ૧૬ વર્ષ અને ૬ મહિનાની ઉંમરના એક કિશોરે ૧૪ વર્ષના સગીરને ધમકાવીને મણિનગર રેલવે કોલોની પાસે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ કૃત્ય બાદ તેણે વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી હતી અને પીડિત પાસેથી ₹૨,૦૦૦ પડાવ્યા હતા. પીડિત કિશોરના પરિવારે પોલીસને જાણ કરતાં આરોપી સામે પોક્સો (POCSO) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટે ભોગ બનેલા કિશોરને ₹૪ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે, જે ગુજરાત વિક્ટિમ કોમ્પનસેશન એક્ટ ૨૦૧૯ હેઠળ આપવામાં આવશે.