ગાંધીનગરમાં મોસમનો માર: સિવિલ હોસ્પિટલની OPDમાં ૩૫૦૦થી વધુ દર્દીઓ
ગાંધીનગર: વાતાવરણમાં થઈ રહેલા અચાનક પલટાને કારણે ગાંધીનગરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. બદલાતી ઋતુની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. હાલ તાવ, શરદી, ઉધરસ અને વાયરલ બિમારીઓના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલની OPDમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
સોમવારે, એક જ દિવસમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલની OPDમાં ૩,૫૦૦થી વધુ દર્દીઓ નોંધાયા હતા, જેણે જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મેડિસિન વિભાગની OPDમાં જ ૮૮૧ કેસ નોંધાયા છે, જ્યારે બાળકોના વિભાગમાં પણ ૨૫૧ દર્દીઓ નોંધાયા હતા. આ ઉપરાંત, શહેરની ખાનગી હોસ્પિટલો અને ક્લિનિક્સની બહાર પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
ગાંધીનગરમાં હાલ ઠંડી, ગરમી અને વરસાદ ત્રણેય ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમી હોય છે, જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક જોવા મળે છે. આ પ્રકારના વાતાવરણને કારણે શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને તાવના કેસોમાં ઝડપથી વધારો થયો છે. ડેન્ગ્યુ કરતાં મેલેરિયાના કેસો વધુ જોવા મળી રહ્યા છે, અને ઝાડા-ઊલટી તથા કમળાના પણ છૂટાછવાયા કેસ નોંધાઈ રહ્યા છે.