ગાંધીનગર

શેરબજારમાં રોકાણની લાલચ: ગાંધીનગરના વેપારીને સાયબર ઠગોએ ₹૨૬.૫૨ લાખનો ચૂનો લગાવ્યો

ગાંધીનગર: સાયબર ગુનેગારોએ હવે શેરબજારમાં રોકાણની લાલચ આપીને લોકોને છેતરવાનું શરૂ કર્યું છે. ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ છે, જેમાં તેમને ₹૨૬.૫૨ લાખનું નુકસાન થયું છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

ગત ડિસેમ્બર મહિનામાં વેપારી કિંજલ પટેલને અજાણ્યા નંબર પરથી એક વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા, જેમાં તેમને શેરબજારમાં રોકાણ કરીને નફો કમાવાની લાલચ આપવામાં આવી હતી. બાદમાં, ‘રમા શેઠ’ અને ‘અરમાન ગોએન્કા’ નામના વ્યક્તિઓએ તેમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી. શરૂઆતમાં ₹૫,૦૦૦નું રોકાણ કરવા પર નફો દેખાડવામાં આવ્યો, જેનાથી વેપારીને વિશ્વાસ બેઠો.

વિશ્વાસ કેળવાયા બાદ વેપારીએ તબક્કાવાર કુલ ₹૨૬.૫૨ લાખ ટ્રાન્સફર કર્યા. જોકે, જ્યારે તેમણે નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે શક્ય બન્યું નહીં અને તેમને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો. તાત્કાલિક તેમણે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ફરિયાદ કરી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટના ફરી એકવાર સાયબર ગુનેગારોની નવી મોડસ ઓપરેન્ડીનો પુરાવો આપે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *