રાહુલ ગાંધીનો ગુજરાત માટે માસ્ટર પ્લાન: દરેક વિધાનસભા બેઠક પર ૨ દિવસ રોકાશે
જુનાગઢ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસને ફરીથી મજબૂત કરવા માટે ખુદ રાહુલ ગાંધીએ કમાન સંભાળી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, હવે તેઓ ગુજરાતમાં દરેક વિધાનસભા બેઠકદીઠ બે દિવસ રોકાણ કરશે. આ માટેનો કાર્યક્રમ આગામી દિવસોમાં તૈયાર થઈ જશે.
રાહુલ ગાંધીના આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને જડમૂળથી મજબૂત કરવાનો છે. તેઓ હોટેલોમાં રહેવાને બદલે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો, જેમ કે તાલુકા અને જિલ્લા પ્રમુખોના ઘરે જ જમશે અને રાત્રિ રોકાણ કરશે. આ દરમિયાન તેઓ હારેલા અને જીતેલા તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ ધારાસભ્યો અને કાર્યકરોને મળીને દરેક બેઠકનો સાચો અંદાજ મેળવશે.
કોંગ્રેસની આ નવી રણનીતિથી ભાજપમાં પણ હલચલ મચી ગઈ છે. રાહુલ ગાંધીની ટીમ દ્વારા ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી સુધીમાં ગુજરાતની તમામ બેઠકોનો પ્રવાસ પૂર્ણ થઈ જાય તે રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીના આ પ્રયાસો કોંગ્રેસને કેટલી સફળતા અપાવશે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે.