ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ૧૦ લાખ નાગરિકોનું ૧૦ કિલો વજન ઘટાડશે
ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને મેદસ્વિતાથી મુક્તિ અપાવવા માટે એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં, ગુજરાતમાં યુવાવયે હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના કેસમાં ચિંતાજનક વધારો થયો છે, જેનું મુખ્ય કારણ મેદસ્વિતા છે. હાલમાં, રાજ્યના દર ૧૦૦માંથી ૨૩ પુરુષો અને ૨૦ મહિલાઓ મેદસ્વી છે. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને, સરકારે યોગના માધ્યમથી ૧૦ લાખ નાગરિકોનું ૧૦ કિલો વજન ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
જાણકારો મુજબ, વધુ પડતું વજન હૃદય રોગ, સ્ટ્રોક, ડાયાબિટીસ, કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. સમાજમાં મેદસ્વી વ્યક્તિઓને ઘણીવાર ‘આળસુ’ તરીકે જોવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આનુવંશિક કારણો, હોર્મોનલ અસંતુલન અને અમુક દવાઓની આડઅસર પણ મેદસ્વિતા માટે જવાબદાર હોય છે.
જોકે, હાલના યુવાવર્ગમાં મેદસ્વિતા વધવાનું મુખ્ય કારણ જંક ફૂડ, બેઠાડું જીવન અને કસરતનો અભાવ છે. ગુજરાતમાં ૧૫ થી ૪૯ વર્ષની વયના લગભગ ૨૧.૪૯ લાખ લોકો મેદસ્વિતાનો શિકાર છે, જે એક મોટી ચિંતાનો વિષય છે. આથી, સરકારનું આ અભિયાન લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે.