ટેસ્લાની કારમાં ગંભીર ખામી: ડોર હેન્ડલ અચાનક બંધ થવાથી બાળકો કારમાં ફસાયા
વોશિંગ્ટન: ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ફરી એકવાર વિવાદમાં આવી છે. તાજેતરમાં ટેસ્લાની મોડેલ વાય (Model Y) કારના ડોર હેન્ડલ અચાનક કામ કરવાનું બંધ કરી દેવાની ફરિયાદો સામે આવી છે. આ ગંભીર સમસ્યાને કારણે, અમેરિકન ટ્રાફિક સેફ્ટી એજન્સી એનએચટીએસએ (NHTSA) દ્વારા આશરે ૧.૭૪ લાખ કારની તપાસ શરૂ કરવામાં આવી છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, એનએચટીએસએને ટેસ્લા મોડેલ વાયના ઇલેક્ટ્રોનિક ડોર હેન્ડલ અચાનક બંધ થઈ જવાના ૯ કેસ મળ્યા છે. આમાંથી ૪ કેસમાં તો એવી પરિસ્થિતિ સર્જાઈ કે કારમાં ફસાયેલા બાળકોને બહાર કાઢવા માટે વાલીઓને કારનો કાચ તોડવાની ફરજ પડી હતી. આ ઘટનાઓ ટેસ્લાની સુરક્ષા પ્રણાલી પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ સમસ્યા ઇલેક્ટ્રોનિક ડોર લોકને પૂરતો વોલ્ટેજ ન મળવાથી થાય છે. આ માટે ઘણીવાર લો-વોલ્ટેજ બેટરી બદલવાની જરૂર પડે છે. જોકે, કાર માલિકોને આ અંગે કોઈ ચેતવણી મળતી નથી. ટેસ્લામાં મેન્યુઅલ ડોર રિલીઝનો વિકલ્પ હોવા છતાં, નાના બાળકો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ કારણે મુસાફરો, ખાસ કરીને બાળકોની સુરક્ષા જોખમમાં મૂકાય છે.