રાહુલ ગાંધીના વોટ ચોરીના આક્ષેપો ખોટા: ચૂંટણી પંચે જવાબ આપ્યો, ‘વોટ ઓનલાઈન ડિલીટ ન થાય’
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ભારતમાં ‘વોટ ચોરી’ના આક્ષેપોને ચૂંટણી પંચે ફરી એકવાર ખોટા ગણાવ્યા છે. ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, રાહુલ ગાંધીએ તેમના પર મૂકેલા તમામ આરોપો આધારહીન છે અને વોટ ક્યારેય પણ ઑનલાઇન ડિલીટ કરી શકાતા નથી.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે, કોઈ પણ વોટ ઑનલાઇન ડિલીટ થઈ શકતો નથી અને આ માટેની પ્રક્રિયા ઘણી સુરક્ષિત છે. વોટ ડિલીટ કરતાં પહેલાં સંબંધિત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની સંપૂર્ણ તક આપવામાં આવે છે. પંચે જણાવ્યું કે ૨૦૨૩માં આલંદ વિધાનસભા ક્ષેત્રમાં વોટ ડિલીટ કરવાના કેટલાક નિષ્ફળ પ્રયાસો થયા હતા, અને આ મામલે ચૂંટણી પંચે પોતે જ પોલીસ ફરિયાદ (FIR) નોંધાવી હતી. આ ઘટના દર્શાવે છે કે ચૂંટણી પંચ સિસ્ટમની સુરક્ષા માટે સક્રિય છે.
રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો હતો કે, દેશમાં મોટા પાયે ‘વોટ ચોરી’ થઈ રહી છે અને ચૂંટણી પ્રણાલીને હાઇજેક કરવામાં આવી રહી છે. તેમણે સીધો આરોપ લગાવ્યો હતો કે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર પોતે જ આ વોટ ચોરોની રક્ષા કરી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે.