ગાંધીનગરમાં કાયદો હાથમાં: પોલીસ સ્ટેશન બહાર જ એરફોર્સના જવાનોને ધમકી
ગાંધીનગર: શહેરના સેક્ટર ૭ પોલીસ સ્ટેશન બહાર એરફોર્સના અધિકારીઓ સાથે ઝઘડો કરી તેમને મારી નાખવાની ધમકી આપનાર એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એરફોર્સના જુનિયર વોરંટ ઓફિસર બાંકેબિહારી વિષ્ણુચરણ પાંડેની ફરિયાદના આધારે પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ, બાંકેબિહારી પાંડે તેમના સહકર્મી વિંગ કમાન્ડર નરેન્દ્રસિંહ ચુડાસમા સાથે કોઈ કામ અર્થે સેક્ટર-૭ પોલીસ સ્ટેશન ગયા હતા. તેઓ જ્યારે પોલીસ સ્ટેશનના ગેટ બહાર ઊભા હતા, ત્યારે કેતન શર્મા નામના વ્યક્તિએ આવીને જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. તેણે પૂછ્યું કે ગાડીઓ આડીઅવળી કેમ ઊભી છે. જ્યારે બાંકેબિહારી પાંડેએ તેને શાંત રહેવાનો ઈશારો કર્યો, ત્યારે તે વધુ ઉશ્કેરાયો.
આ ઝઘડા દરમિયાન, ગ્રુપ કેપ્ટન પુનીત ચઠ્ઠા અને વિંગ કમાન્ડર શિવરાજસિંહ પણ ત્યાં આવી પહોંચ્યા અને કેતન શર્માને સમજાવવાનો પ્રયાસ કર્યો. જોકે, તે સતત ગાળો બોલતો રહ્યો. તેણે એરફોર્સના અધિકારીઓના યુનિફોર્મનું અપમાન કરીને કહ્યું કે, “આવા યુનિફોર્મવાળાને તો હું પગ નીચે રાખું છું.” તેણે પોતાનું નામ પૂછતાં કહ્યું કે, “મારું નામ ગૂગલથી પૂછી લેજો.” જતાં જતાં તેણે અધિકારીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

