“સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન અન્વયે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૭૫ કેમ્પ યોજવામાં આવ્યા
ગાંધીનગર તા. ૧૯ સપ્ટેમ્બર- સમગ્ર રાજ્યમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન દ્વારા મહિલાઓના સ્વાસ્થ્યને કેન્દ્રિત તથા અન્ય સ્વાસ્થ્યલક્ષી સેવાઓ ગામડે-ગામડે કેમ્પના માધ્યમથી પહોંચાડવામાં આવી રહી છે. આ અભિયાન અન્વયે આજે ત્રીજા દિવસે ગાંધીનગર જિલ્લામાં કુલ ૧૭૫ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે,૭ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૫ શહેરી આરોગ્ય કેન્દ્ર, પ અર્બન આયુષ્માન આરોગ્ય મંદિર અને ૧૪૧ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેમ્પ યોજાયા હતા જેનો કુલ ૧૪ હજાર ૫૦૬ લાભાર્થીઓએ લાભ મેળવ્યો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પોમાં અલગ-અલગ બીમારી માટે તપાસ અને સારવાર આપવામાં આવી હતી. સાથે જ કેમ્પમાં ૨૬ લોકોએ રક્તદાન કર્યું તેમજ નવા ૧૮ નિક્ષય મિત્રોએ નોંધણી કરાવી સમાજસેવામાં પ્રદાન આપ્યું હતું. ૪૯૨ લાભાર્થીને પી.એમ.જે.વાય.કાર્ડ આપવામાં આવ્યા અને ૯૧૫ સગર્ભા માતાની નિ:શુલ્ક લેબોરેટરી તપાસ પણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, “સ્વસ્થ નારી સશકત પરિવાર” અભિયાન અંતર્ગત તા. ૦૨ ઓકટોબર સુધી આરોગ્ય કેમ્પ યોજી રસીકરણ, આરોગ્ય તપાસ, ટી.બી. સ્ક્રીનીંગ, આયુષ્માન કાર્ડ વગેરે સેવાઓ આપવામાં આવશે.