અમદાવાદ પ્લેન ક્રેશ: સુપ્રીમ કોર્ટે પ્રાથમિક રિપોર્ટ લીક થવા પર ચિંતા વ્યક્ત કરી, નિષ્પક્ષ તપાસ માટે કેન્દ્રને નોટિસ
અમદાવાદમાં ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ બનેલી એર ઈન્ડિયા ફ્લાઈટ AI171ની ભયાનક દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે આજે, ૨૨ સપ્ટેમ્બરના રોજ, સુનાવણી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં ૨૬૦થી વધુ લોકોના મોત થયા હતા. કોર્ટે તપાસનો પ્રાથમિક રિપોર્ટ લીક થવા અને મીડિયામાં પાયલટને જવાબદાર ઠેરવવામાં આવતા ભારે ચિંતા વ્યક્ત કરી છે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને એન. કોટિશ્વરસિંહની બેન્ચે મૌખિક રીતે જણાવ્યું કે, તપાસ પૂરી થયા પહેલાં પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવો એ દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી સંપૂર્ણ તપાસ ન થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી અત્યંત જરૂરી છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં, કોર્ટે હવે આ કેસની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ પર પોતે નજર રાખશે.
મૃતકોના પરિવારોએ આ ઘટના માટે વિમાન નિર્માતા કંપની ‘બોઇંગ’ અને પાર્ટ્સ બનાવતી કંપની ‘હનીવેલ’ સામે મુકદ્દમો દાખલ કર્યો છે. પરિવારોનો આરોપ છે કે વિમાનના ઇંધણ સ્વીચમાં ખામી હતી, જેના કારણે એન્જિનને જરૂરી ઇંધણ મળ્યું ન હતું અને વિમાન ક્રેશ થયું હતું. આ કેસ માત્ર નાણાકીય વળતર માટે નહીં, પરંતુ કંપનીઓને તેમની જવાબદારીનું ભાન કરાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે નિષ્પક્ષ તપાસની માંગ કરતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ પણ મોકલી છે.