ચોમાસા બાદ રસ્તાઓનું સમારકામ: ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગની કામગીરી પુરજોશમાં
ચોમાસાની ઋતુ પૂરી થયા બાદ ગાંધીનગર જિલ્લામાં રસ્તાઓને ફરીથી સુગમ બનાવવા માટે વહીવટી તંત્ર સક્રિય થઈ ગયું છે. કલેક્ટર શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ માટે ૭ જેટલી ટીમો કામે લાગી છે.
માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી તેજસ માંગુકીયાએ જણાવ્યું કે, ચોમાસામાં પાણી ભરાવાથી કે અન્ય કારણોસર રોડ પર પડી ગયેલા ખાડાઓનું પેચવર્ક ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, રસ્તાની બંને બાજુ ઉગી નીકળેલા ઘાસ અને ઝાડી-ઝાંખરાને દૂર કરીને રસ્તાને સ્પષ્ટ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.
માણસા તાલુકાના અજરાપુરા, ઇસનપુર, અઢાણા, ગ્રામભારતી, દોલરણા, વાસણ, ઉનાવા, પિંડારડા અને બોરીસણા જેવા વિસ્તારોમાં ડામર પેચવર્ક અને સફાઈની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. રાત્રિના સમયે વાહન ચાલકોની સલામતી માટે રોડ પરના માર્કિંગ, સાઈનબોર્ડ અને બ્રિજનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે. તંત્ર લોકોની સુખાકારી માટે સતત કાર્યરત છે જેથી મુસાફરી વધુ સલામત અને સરળ બની રહે.