શેરથામાં ૫૦૦ કરોડની મંદિરની જમીનનો વિવાદ: ગ્રામજનોએ આક્રોશ રેલી કાઢી, ન્યાય માટે લડત શરૂ
ગાંધીનગર નજીક આવેલા શેરથા ગામમાં આવેલું વર્ષો જૂનું શ્રી નરસિંહજી મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આશરે ૫૦૦ કરોડ રૂપિયાની કિંમત ધરાવતી મંદિરની જમીન ભૂમાફિયાઓ અને અધિકારીઓની મિલીભગતથી પચાવી પાડવામાં આવી હોવાના આરોપો લાગ્યા છે. આ મામલે આજે ગામના લોકો દ્વારા એક મોટી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. ગ્રામજનોએ આ જમીન પાછી મેળવવા માટે છેક સુધી લડત ચલાવવાનો નિર્ધાર કર્યો છે.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગાયકવાડ સરકારે નરસિંહજી મંદિરને ૭૦ વીઘા જમીન ભરણપોષણ માટે આપી હતી. આ મંદિરનું ઐતિહાસિક મહત્વ પણ છે, કારણ કે આઝાદીના આંદોલનની શરૂઆત ડોક્ટર સુમન મહેતાના આશ્રમથી થઈ હતી, જે આ જ મંદિર પરિસરમાં હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે કોરોના મહામારી દરમિયાન, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મદદથી ભૂમાફિયાઓએ કહેવાતા ગણોતિયાઓ દ્વારા આ જમીન હડપ કરવાનું કાવતરું રચ્યું હતું.
આજે શેરથા ગામના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને મંદિર પરિસરમાં એક જાહેર સભાનું આયોજન કર્યું. આ સભામાં આ જમીન પરત મેળવવા માટે લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારબાદ, બે કિલોમીટર લાંબી મૌન રેલી કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ગ્રામજનોએ સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ મામલે તટસ્થ તપાસ કરીને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.