સાબરમતી નદીમાં ગમખ્વાર ઘટના: નહાવા પડેલા અમદાવાદના યુવાનનું ડૂબી જવાથી મોત
ગાંધીનગર નજીક આવેલા ધોળેશ્વર પાસે સાબરમતી નદીમાં એક દુર્ઘટના બની છે, જેમાં અમદાવાદના એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે. નદીમાં નહાવા પર પ્રતિબંધ હોવા છતાં, આજે પિતૃ અમાવસ્યા નિમિત્તે મોટી સંખ્યામાં લોકો નદીમાં ઊતર્યા હતા. આ ઘટનાએ ફરી એકવાર તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલ પર સવાલો ઉભા કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના ઇન્કમટેક્સ વિસ્તારમાં પીજીમાં રહેતા આઠ મિત્રોનો સમૂહ ધોળેશ્વર મંદિરે દર્શન કરવા આવ્યો હતો. નદીમાં અન્ય લોકોને નહાતા જોઈને આ યુવાનો પણ પાણીમાં ઊતર્યા હતા. તે દરમિયાન, મૂળ મહારાષ્ટ્રના ગૌતમ શ્યામભાઈ દુરાંગ નામનો યુવાન ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો. તેના મિત્રોએ બૂમો પાડતા અને બચાવવાનો પ્રયાસ કરતા પણ તેને બચાવી શકાયો ન હતો.
ગૌતમના મિત્ર કુલદીપ પ્રજાપતિએ તેને બચાવવા માટે નદીમાં છલાંગ લગાવી, પરંતુ તે સફળ થયો ન હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી, પરંતુ તેમને પણ સફળતા મળી ન હતી. આખરે, સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.