પીએમ મોદી અરુણાચલ પ્રદેશમાં: ₹૫,૧૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા અને રાજ્યને ₹૫,૧૦૦ કરોડના માળખાગત પ્રોજેક્ટ્સની ભેટ આપી. તેમણે વર્ચ્યુઅલ રીતે બે જળવિદ્યુત પ્રોજેક્ટ અને એક કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ્સ ‘ડબલ એન્જિન સરકાર’ના બમણા લાભનું ઉદાહરણ છે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, “જ્યાં વિકાસ કાર્ય કરવું મુશ્કેલ હોય છે, તેને કોંગ્રેસ પછાત જાહેર કરીને ભૂલી જાય છે.” તેમણે ઉમેર્યું કે, “કોંગ્રેસ જેવી પાર્ટીને લાગતું હતું કે અરુણાચલમાં ઓછા લોકો અને બે જ લોકસભા બેઠકો છે, તો ધ્યાન કેમ આપવું?” તેમણે કહ્યું કે, આ માનસિકતાએ આખા પૂર્વોત્તરને ખૂબ નુકસાન પહોંચાડ્યું.
વડાપ્રધાને જણાવ્યું કે તેમની સરકાર પૂર્વોત્તરના આઠેય રાજ્યોને ‘અષ્ટલક્ષ્મી’ તરીકે જુએ છે. તેમણે કહ્યું કે, “આ વિસ્તારને વિકાસમાં પાછળ ન મૂકી શકાય.” તેમણે વધુમાં કહ્યું કે, તેમની સરકાર પૂર્વોત્તરના વિકાસ માટે વધુમાં વધુ ખર્ચ કરી રહી છે. આ પ્રવાસ દરમિયાન તેમણે કનેક્ટિવિટી, આરોગ્ય અને અગ્નિ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ₹૧,૨૯૦ કરોડના અન્ય પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કરાવ્યો.