રાષ્ટ્રીય

કોલકાતામાં મેઘતાંડવ: ધોધમાર વરસાદથી જળબંબાકાર, ૫ લોકોના મોત

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે આખી રાત થયેલા ભારે વરસાદે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. માત્ર ૬ કલાકમાં ૨૫૦ મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. આ જળભરાવ અને વીજળીના કરંટ લાગવાથી અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

કોલકાતામાં સતત વરસાદને કારણે રેલવે, મેટ્રો અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે. સિયાલદહ સ્ટેશન પાસે રેલવે લાઈન પર પાણી ભરાઈ જતાં ટ્રેન સેવાઓ અટકી પડી છે. આ ઉપરાંત, હાવડા ડિવિઝનના મુસાફરો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જળભરાવને કારણે ચક્રરેલની અપ અને ડાઉન લાઈન સેવાઓ પણ બંધ કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર એરિયાને કારણે દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે, જે કોલકાતાના લોકોની મુશ્કેલી વધારી શકે છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, દક્ષિણ અને પૂર્વ ભાગોમાં વરસાદની તીવ્રતા વધુ હતી, જેમાં ગરિયા કામદારીમાં ૩૩૨ મિલીમીટર અને જોધપુર પાર્કમાં ૨૮૫ મિલીમીટર વરસાદ નોંધાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *