ગાંધીનગર

ગાંધીનગરમાં નવરાત્રીની પ્રથમ રાતે મોટી દુર્ઘટના ટળી, જાણો વિગતે

ગાંધીનગર :

નવરાત્રિની પ્રથમ રાત્રીએ ગાંધીનગરમાં એક મોટી આગની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મોટી જાનહાનિ થતા ટળી છે. રાયસણ બિઝનેસ પાર્ક નજીક આવેલા એક ફ્રેન્કી સ્ટેશનમાં એકસાથે બે ગેસ સિલિન્ડરો માં ભીષણ આગ લાગી હતી. જોકે, ફ્રેન્કી સ્ટેશન નો કારીગર સમયસર કૂદીને ભાગી જતા તેનો જીવ બચી ગયો હતો પરંતુ, ફ્રેન્કી સ્ટેશન બળી ગયું હતું. આ ઘટનાથી જીવતા બોમ્બ સમાન ગેસ સિલિન્ડર રાખીને અન રજિસ્ટર્ડ અને ગેરકાયદેસર ધંધા કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહીની માંગ લોકોમાં ઉઠી છે.

ગાંધીનગરના સેક્ટર-14માં રહેતા કલ્પેશ મકવાણાએ એક ગાડીને મોડિફાઈડ કરીને રાયસણ બિઝનેસ પાર્ક નજીક ‘ફ્રેન્કી સ્ટેશન’ શરૂ કર્યું છે, જે અનરજિસ્ટર્ડ હોવાનું જાણવા મળ્યું છે. આ ફ્રેન્કી સ્ટેશનમાં રાજસ્થાનનો રાહુલ મસાર નામનો કારીગર કામ કરતો હતો. આજે રાત્રે લગભગ 9 વાગ્યાના અરસામાં કારીગરે ધંધો શરૂ કરવા માટે ગેસ સિલિન્ડરને સગડી સાથે જોડ્યા હતા. તેણે લાઈટર વડે સગડી ચાલુ કરી અને તરત જ આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું ફ્રેન્કી સ્ટેશન ભડભડ સળગવા લાગ્યું હતું .આ જોઈને કારીગર ગભરાઈને “બચાવો, બચાવો”ની બૂમો પાડતા ગાડીમાંથી કૂદીને બિઝનેસ પાર્કમાં ભાગી ગયો હતો જેથી તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફ્રેન્કી સ્ટેશનમાં બે ગેસ સિલિન્ડર હોવાથી બ્લાસ્ટ થવાની શક્યતા હતી. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને ફાયરબ્રિગેડે બીજું ટેન્કર પણ મંગાવ્યું. બાદમાં બંને ટેન્કરો દ્વારા એકસાથે પાણીનો મારો ચલાવીને ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો .આ કામગિરી દોઢેક કલાક ચાલી હતી. જો સિલિન્ડરો ફાટ્યા હોત તો મોટી જાનહાની થવાની સાથે નજીકના કોમ્પ્લેક્સમાં પણ આગ ફેલાવા ની શકયતા હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *