સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા અડાલજ શાખા દ્વારા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન અંતર્ગત જન સુરક્ષા કેમ્પ યોજાયો
નાણાંકીય સમાવેશન અન્વયે સમગ્ર રાજ્યમાં જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જન જનને કેમ્પ દ્વારા જોડી પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના વગેરે વિષે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા સમગ્ર દેશમાં ઝુંબેશ હાથ ધરી વિવિધ બૅન્કો દ્વારા ગામડાઓમાં શિબિર દ્વારા વિવિધ સુવિધાઓ અને યોજનાઓ ગ્રામજનોને ઘર આંગણે આપવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આજરોજ અડાલજ ગામે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અડાલજ શાખા દ્વારા જન સુરક્ષા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં પ્રધાનમંત્રી જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નિષ્ક્રિય ખાતું સક્રિય કરવા, રી-કેવાયસી, નોમિનેશન, ડિજિટલ ફ્રોડ અટકાવવા વિષયક માહિતી આપવામાં આવી હતી. સાથે જ ગ્રામજનોને જનધન યોજના અંતર્ગત નવીન ખાતા ખોલાવવા, અટલ પેન્શન યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી.
આ શિબિરમાં મુદ્રા લોનના બે ગ્રાહકોને લોન મંજૂર કરી રૂ. ૧૦ લાખની લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. PMJDY/સુકન્યા સમૃદ્ધિ પાસબુક અને PMSBY/PMJJBY પ્રમાણપત્રો ગ્રાહકોને આપવામાં આવ્યા હતા.તથા ગ્રાહક સેવા કેન્દ્ર દ્વારા નવા ખાતા ખોલવા, વીમા નોંધણી અને કેવાયસી અપડેસન જેવી સુવિધાઓ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં એસ.બી.આઇ ગાંધીનગર પ્રશાસનિક કાર્યાલયના ડી.જી.એમ શ્રી દેબેન્દ્રકુમાર સાહુ , ગાંધીનગર પ્રાદેશિક કાર્યાલયના એ.જી.એમ. શ્રી રોહિતકુમાર, ગાંધીનગરના લીડ ડિસ્ટ્રિક્ટ મેનજર શ્રી બળદેવ ચાવડા, એફઆઇ મેનેજરશ્રી મૌલિક પટેલ, એસ.બી.આઇ. અડાલજના બ્રાન્ચ મેનેજરશ્રી,એફએલસી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.