UNના મંચ પર ભારતે પાકિસ્તાનને ફરી આકરો જવાબ આપ્યો
યુનાઇટેડ નેશન્સની માનવાધિકાર પરિષદના મંચ પર ભારતે ફરી એકવાર પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનને કહ્યું કે, “અમારા ક્ષેત્ર પર લોભ રાખવાને બદલે ભારતીય પ્રદેશ પર કરેલો ગેરકાયદે કબજો છોડી દેવો જોઈએ.” આ ઉપરાંત, ભારતે આતંકવાદને પ્રોત્સાહન આપવા અને યુએન દ્વારા નિયુક્ત આતંકવાદીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી છે.
ભારતે યુએન મંચ પર પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં થયેલા હવાઈ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો. એક અહેવાલ મુજબ, પાકિસ્તાની વાયુસેનાએ તિરાહ ખીણના મત્રે દારા ગામમાં પોતાના જ નાગરિકો પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા ૩૦ લોકો માર્યા ગયા અને સેંકડો ઘાયલ થયા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક સૂત્રો અનુસાર, પાકિસ્તાની સેનાએ ચીની બનાવટના JF-17 ફાઇટર જેટથી ગામ પર આઠ LS-6 બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે આખું ગામ નાશ પામ્યું.
પાકિસ્તાની સૈન્ય કે સરકાર દ્વારા આ હુમલા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે, સ્થાનિક વહીવટીતંત્રે દાવો કર્યો છે કે આતંકવાદીઓ દ્વારા બોમ્બ બનાવવામાં વપરાતા વિસ્ફોટકોનો વિસ્ફોટ થયો હતો, જેના કારણે ૨૪ લોકો માર્યા ગયા. પરંતુ, આ અહેવાલો વિરોધાભાસી જણાય છે.