રાયસણમાં ફ્રેન્કી સ્ટેશનમાં આગ: મોડીફાઈડ વાહનમાં લાગેલી આગથી દોડધામ
ગાંધીનગર શહેર નજીક આવેલા રાયસણ-પીડીપીયુ માર્ગ પર ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની. મોડીફાઈડ કરીને બનાવેલા એક ફ્રેન્કી સ્ટેશનના ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. સદનસીબે, કારીગર સમયસર વાહનમાંથી કૂદી જતાં તેનો જીવ બચી ગયો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર સ્ટેશન ભડભડ સળગવા લાગ્યું. રાત્રે લગભગ ૯ વાગ્યાની આસપાસ, રાહુલ મસાર નામનો કારીગર ધંધો શરૂ કરવા માટે ગેસ સિલિન્ડરને સગડી સાથે જોડી રહ્યો હતો. જેવું તેણે લાઈટર વડે સગડી ચાલુ કરી, તરત જ આગ ભભૂકી ઉઠી. ગભરાયેલા કારીગરે બૂમો પાડી અને ગાડીમાંથી કૂદીને ભાગી ગયો, જેના કારણે તેનો જીવ બચી ગયો. આ ઘટનાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને થતા, તેમનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ ઘટનાએ વાહનોમાં કોઈપણ મંજૂરી વગર ચાલતી આવી રેસ્ટોરન્ટ્સની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.