વડોદરાના ગઠિયાએ ગાંધીનગરના કાર બ્રોકર સાથે ₹૩ લાખની છેતરપિંડી કરી
ગાંધીનગર જિલ્લાના લીંબોદરા ગામમાં કાર લે-વેચનો વ્યવસાય કરતા કલ્પેશ ચૌધરી સાથે વડોદરાના એક ઠગ દ્વારા ₹૩ લાખની છેતરપિંડી કરવામાં આવી છે. આ ગઠિયાએ રુપાલના એક વ્યક્તિને કાર વેચવાનું કહીને આંગડિયા પેઢી દ્વારા પૈસા મંગાવી લીધા અને પછી ફોન બંધ કરી દીધો હતો. આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
૯ સપ્ટેમ્બરના રોજ, કલ્પેશ ચૌધરી પર જૈમીન પટેલ નામના એક વ્યક્તિનો ફોન આવ્યો. જૈમીને પોતે વડોદરામાં કારનો શોરૂમ ધરાવતો હોવાનું જણાવ્યું અને રુપાલ ગામના મહેશભાઈ જોશીને કાર વેચવા અંગે વાત કરી. કલ્પેશભાઈએ તેમના ભાગીદાર રોહિત ચૌધરીને કાર જોવા માટે મોકલ્યા. કાર અને તેના કાગળો તપાસીને ₹૩.૧૭ લાખનો ભાવ નક્કી કરવામાં આવ્યો.
ડીલ ફાઇનલ થયા બાદ જૈમીને કલ્પેશ પાસેથી આંગડિયા પેઢી મારફતે ₹૩ લાખ મંગાવ્યા. પૈસા ટ્રાન્સફર થયા બાદ જૈમીને તરત જ પોતાનો ફોન બંધ કરી દીધો અને વોટ્સએપના મેસેજ પણ ડીલીટ કરી નાખ્યા. જ્યારે કલ્પેશભાઈએ રુપાલના મહેશભાઈ જોશીનો સંપર્ક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે મહેશભાઈને કોઈ નવી કાર લેવી જ નહોતી અને તેમણે તો માત્ર જૈમીનના કહેવા મુજબ આ બધી વાત કરી હતી. આ પછી કલ્પેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.