ગાંધીનગર નજીક બહિયલ ગામમાં હિંસા: પોલીસના વાહનોમાં તોડફોડ, ટીયરગેસ છોડાયો
ગાંધીનગરના બહિયલ ગામમાં મોડી રાત્રે હિંસા ફાટી નીકળતા તણાવનો માહોલ સર્જાયો હતો. ગરબાના આયોજન દરમિયાન, કોઈ સોશિયલ મીડિયા સ્ટેટસને કારણે મામલો ગરમાયો અને બે જૂથો વચ્ચે અથડામણ થઈ. હિંસા દરમિયાન દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાઓ પણ બની.
સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ ગામમાં પહોંચી ત્યારે તેમના પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ૧૫ જેટલા પોલીસ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું. ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયરગેસના શેલ છોડવા પડ્યા હતા. આ ઘટનામાં પાંચ સ્થાનિકો પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
હાલ પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે ગામમાં પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે હિંસામાં સામેલ તત્વોને શોધી કાઢવા માટે કાર્યવાહી શરૂ કરી છે અને શાંતિ જાળવવાના પ્રયાસો ચાલુ છે.