ભાજપ નેતાઓથી જ સોશિયલ મીડિયા પર ઘેરાઇ રહી છે સરકાર- ઉકળાટ કે નારાજગી?
ગાંધીનગર
રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં ભાજપના 4 નેતાઓએ ટ્વિટ કરીને પોતાની જ સરકારની પોલ ખોલી નાખી છે. જેની શરુઆત ભાજપના નેતા આઈ.કે.જાડેજાએ કરી હતી. જ્યારે ચોથા દિવસે તો રોડ બાબતે કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ પણ ખરાબ રસ્તાઓ અંગે ટ્વિટ કરવાની ફરજ પડી છે, આમ તો પ્રદેશ પ્રમુખ જન સામાન્યની ભાવના ગણાવી રહ્યા છે.
ત્યારે રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે કે આ નેતાઓનો આંતરિક ઉકળાટ છે, જેઓ સીધી રીતે પોતાની સરકારને ભલે ન બોલી રહ્યા હોય પણ ટ્વિટ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાના જ સત્તાધીશો સામે સવાલ ઉઠાવી રહ્યા છે. જ્યારે સત્તા પક્ષને ઘેરવા માટે વિપક્ષને વધુ એક તક મળી રહી છે.
ગુજરાત સરકાર એક તરફ સરદાર સરોવર ડેમ ભરાવવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ કરી રહી છે. ત્યારે ચોમાસાના કારણે શહેરના રસ્તાઓ હોય કે ગામડાઓના રસ્તાઓ તે ધોવાઈ ગયા છે. પરિણામે નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે સ્થાનિક તંત્રથી લઈને રાજ્ય સરકારની ટીકા થઈ તો સરકારે શહેરોના રસ્તાઓ માટે કરોડોની ગ્રાન્ડની જાહેરાત કરી, સાથે દિવાળી સુધી રસ્તાઓ સારા થઈ જશે તેવી બાંહેધારી આપવામાં આવી છે. છતાં આ દરમિયાન હવે ભાજપના નેતાઓ રસ્તાઓથી માંડી સરકારની વિવિધ પોલીસીને લઈને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર બોલતા થઈ ગયા છે.
ભાજપના 4 નેતાઓએ કાઢ્યો બળાપો
ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે.જાડેજાએ બોપલમાં બિસ્માર રસ્તાઓ અંગે ટ્વિટ કર્યુ તો અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દોડતુ થઈ ગયુ, કલાકોમાં રસ્તાઓનું સમારકામ થઈ ગયુ, પાર્ટીમાં આઈ.કે.જાડેજાને લઈને વિવાદ પણ થયો અને ટીકા પણ થઈ તો આઈ.કે.જાડેજાએ ઔડાની કામગીરીની પણ પોસ્ટ કરી.
તે પછી અમદાવાદમાં એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) ઢીલી નીતિ સામે પોતાનો બળાપો કાઢ્યો, જાહેરમાં સ્વીકાર્યુ કે કોર્પોરેશનના સત્તાધીશો તેમની રજુઆતને પણ સાંભળતા નથી, ત્યારબાદ શનિવારે ભાજપના સૌરાષ્ટ્રના આગેવાન ડો.ભરત કાનાબારે તો મંદીને લઈને કેન્દ્ર સરકારની આલોચના કરી અને સાથે ટ્રાફિક દંડના નવા નિયમોને લઈને પણ સરકાર ઉપર પ્રહારો કર્યા.
હવે રવિવારે પાણી અને પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ પણ જસદણ આટકોટથી રાજકોટ સુધીના રસ્તાઓમાં પડેલા ખાડાઓને લઈને ટ્વિટ કરીને તંત્રની ઢીલી નીતિની પોલ ખોલી નાખી છે.
કોંગ્રેસ ભાજપ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ
આ મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આઈ.કે.જાડેજાને લઈને જણાવ્યુ હતુ કે સરકાર સારા કામો કરી રહી છે, આઈ.કે.જાડેજા પાર્ટીના જવાબદાર નેતા છે. વરસાદના કારણે લોકોને નાની મોટી તકલીફ પડી રહી છે પણ હવે સરકાર તરફથી ઝડપી કામગીરી થશે, ચોમાસામાં ડામરને પાણી અડે તો રસ્તો તુટી જાય છે, તે સામાન્ય સાયન્સ છે, જ્યારે જે લોકો ધ્યાન દોરી રહ્યા છે. તેમની ભાવના સારી છે.
આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે રસ્તાઓ ખરાબ ગુણવતાના બન્યા છે, જે કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરાય છે, તેમને બીજી એજન્સીના નામથી કામ આપવામાં આવે છે. આ ભાજપના ધન સંગ્રહ યોજનાનો ભાગ છે, સરકાર એક વખત રોડ બનાવવા માટે નાણા આપે અને પછી ખાડા પુરવા માટે અલગ નાણા આપે, જેથી બન્નેમાં કટકી થઈ શકે અને આગામી ચૂંટણી માટે નાણા એકત્ર કરી શકાય.
રાજકીય નિષ્ણાંત પ્રશાંત ગઢવીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ હવે પોતાને બચાવવા માંગે છે, કારણ કે તેઓ ટ્વિટ કરીને બતાવવા માંગે છે કે તેઓ જનતાની સાથે છે પણ તંત્ર ઉદાસિન છે. સાથે કેટલાક નેતાઓ તો પાર્ટીની અંદર ચાલતા આંતરિક દ્વંદના કારણે પોતાનો સ્કોર સેટ કરવા માટે પણ ટ્વિટ કરી રહ્યા છે પણ જે રીતે હાલ મંદીની સમસ્યાઓ, બેરોજગારીની સમસ્યા કે રોડ અને રસ્તાની સમસ્યા છે. તેને લઈને પ્રજામાં નારાજગી છે.
જો ભાજપના જન પ્રતિનિધિઓ લોકોની સમસ્યા નહી ઉઠાવે, યથાર્થવાદી નહી બને તો જનતા સવાલ કરશે અને તેના માઠા પરિણામો જન પ્રતિનિધીઓને ઉઠાવવા પડે, જેથી તેઓ આમ કરીને પોતાની છાપ પ્રજાલક્ષી બનાવી રહ્યા છે.