હવે કોમ્પ્યુટરમાં પણ ચાલશે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ, ઇન્ડસ્ટ્રીમાં મોટો બદલાવ આવશે
ગૂગલ મોબાઇલ પછી હવે કોમ્પ્યુટર માટે પણ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવી રહ્યું છે. આ જાહેરાત ગૂગલના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ ઓફ ડિવાઇસ અને સર્વિસના રિક ઓસ્ટરલોહ દ્વારા સ્નેપડ્રેગન સમિટમાં કરવામાં આવી છે. ક્વોલકોમ સાથે મળીને ગૂગલ આ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેના કારણે હવે મોબાઇલ અને કોમ્પ્યુટર બંને એક જ પ્લેટફોર્મ પર કામ કરી શકશે.
ઓસ્ટરલોહે જણાવ્યું કે, હવે કોમ્પ્યુટર અને ડેસ્કટોપ માટે પણ એક કોમન ટેક્નિકલ ફાઉન્ડેશનનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે સંકેત આપ્યો કે એન્ડ્રોઇડ હવે દરેક કોમ્પ્યુટિંગ કેટેગરીમાં આવી રહ્યું છે. ક્વોલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો એમોને પણ આ પ્રોજેક્ટને ‘અદ્ભુત’ ગણાવ્યો છે. ગૂગલ પોતાના AI ટૂલ જેમિનીનો ઉપયોગ પણ કોમ્પ્યુટિંગમાં કરશે, જેનાથી કોમ્પ્યુટર વધુ સારી રીતે કામ કરી શકશે.
ગૂગલ દ્વારા હજુ એવું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી કે તેમનું પહેલું એન્ડ્રોઇડ લેપટોપ ક્યારે લોન્ચ થશે, પરંતુ આ જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે ભવિષ્યમાં આ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે.