સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: વિદેશી દવાઓ પર ૧૦૦% ટેક્સ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી વિદેશી ઉત્પાદનો પર ભારેભરખમ ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત જકાત) વસૂલવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ પગલું સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી લેવામાં આવ્યું છે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વેપાર જગતમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે.
કયા ઉત્પાદનો પર કેટલો ટેક્સ?
ટ્રમ્પે જાહેર કરેલા મુખ્ય ટેરિફ નીચે મુજબ છે:
- ફાર્માસ્યુટિકલ દવાઓ (બ્રાન્ડેડ/પેટન્ટ): ૧૦૦% ટેક્સ
- કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી: ૫૦% ટેક્સ
- અપહોલ્સ્ટર્ડ ફર્નિચર: ૩૦% ટેક્સ
- ભારે ટ્રક (Heavy Trucks): ૨૫% ટેક્સ
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ફાર્માસ્યુટિકલ કંપનીઓને આ ૧૦૦% ટેક્સમાંથી મુક્તિ ફક્ત ત્યારે જ મળશે જો તેઓ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે અથવા તેનું બાંધકામ શરૂ કરી દેશે.
ટ્રમ્પે આ પગલાને ‘અયોગ્ય વર્તન’ સામે રક્ષણ આપવા અને અમેરિકાની વિનિર્માણ પ્રક્રિયાની સુરક્ષા માટે આવશ્યક ગણાવ્યું છે.