કલોલમાં બાળકોના ઝઘડામાં વડીલો બાખડ્યા: લોખંડના પંચથી હુમલો, બે આરોપીઓ સામે ગુનો દાખલ
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સલાટવાસમાં બાળકોના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. મંદિર પાસે રમી રહેલા છોકરાઓ વચ્ચે ઝઘડો થતાં એક પિતાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, આ દરમિયાન બે વ્યક્તિઓએ હુમલો કરી દીધો, જેમાં એક યુવકને લોખંડના પંચ વડે આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે હુમલો કરનાર બે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, સલાટવાસમાં રહેતા રામુભાઈ મણિલાલ સલાટનો દીકરો રમી રહ્યો હતો ત્યારે પાડોશમાં રહેતા મનોજભાઈના દીકરા સાથે ઝઘડો થયો. રામુભાઈ બંનેને સમજાવી રહ્યા હતા, ત્યારે મનોજભાઈના મકાન માલિક રણજીતજી બાબુજી દરબાર ત્યાં આવી ચડ્યા અને મનોજના દીકરાનો પક્ષ લઈને રામુભાઈને ગાળો બોલી. આ દરમિયાન રણજીતસિંહનો ભત્રીજો ભયલુજી છનાજી દરબાર હાથમાં લોખંડનો પંચ પહેરીને આવ્યો અને રામુભાઈના મોઢા પર પંચ મારી દીધો. ગંભીર ઈજા થતાં રામુભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કલોલ પોલીસે રણજીતજી દરબાર અને ભયલુજી દરબાર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

