ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક US યુનિટ વેચવા મંજૂરી આપી: પ્રતિબંધનો નિર્ણય હાલપૂરતો ટળ્યો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોકનું અમેરિકા યુનિટ વેચવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ગણાવતા અમેરિકા અને ચીન વચ્ચેના વિવાદ બાદ આ ડીલને મંજૂરી આપવામાં આવી છે. જો હવે અમેરિકાની કંપનીઓ દ્વારા તેની માલિકી મેળવવામાં આવશે તો ટિકટોક પરના દેશવ્યાપી પ્રતિબંધો દૂર કરવામાં આવશે. આ ડીલ ૧૨૦ દિવસમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ટિકટોક યુએસની વેલ્યૂ ૧૪ અબજ ડોલર આંકવામાં આવી છે. આ ડીલ હેઠળ અમેરિકાની ઓરેકલ (Oracle) અને સિલ્વર લેક સંયુક્ત રોકાણ સાહસ મારફત ટિકટોક યુએસનું સંચાલન કરશે. આ ઉપરાંત, અબુ ધાબીનું એમજીએક્સ ગ્રૂપ પણ આ નવા યુનિટમાં હિસ્સો ખરીદશે.
ટ્રમ્પના આ ઓર્ડરથી ટિકટોકની પેરેન્ટ કંપની બાયટડાન્સ પરનો પ્રતિબંધ હાલપૂરતો અટકાવવામાં આવ્યો છે. ડીલ મુજબ, TikTok US નવા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની નિમણૂક કરશે અને સાથે જ તેનો અલ્ગોરિધમ, સોર્સ કોડ અને કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમ પણ નવા માલિકોને ટ્રાન્સફર કરશે. ઓરેકલ ટિકટોક યુએસનું સિક્યોરિટી કામકાજ અને ક્લાઉડ સર્વિસ સંભાળશે, જેનાથી અમેરિકન ડેટા સુરક્ષિત રહેશે.