ભાજપમાં હડકંપ: પૂર્વ પ્રમુખનો ખુલાસો, ‘ભ્રષ્ટાચારનું જૂઠાણું ફેલાવીને ૧૯૯૫માં ઇડરની બેઠક જીતી’
સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજ પટેલે ઇડરના ટાઉનહોલમાં એક સન્માન સમારોહમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું કે ૧૯૯૫માં ઇડરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરશનદાસ સોનેરીને હરાવવા માટે ભાજપે ભ્રષ્ટાચારનું જૂઠાણું ફેલાવ્યું હતું અને સત્તા મેળવી હતી. આ કબૂલાત બાદ તેમણે સ્ટેજ પર જ કરશનદાસ સોનેરીના પગે પડીને માફી માગી હતી, જેને પગલે ગુજરાત ભાજપમાં હડકંપ મચી ગયો છે.
પૃથ્વીરાજ પટેલે જણાવ્યું કે ૧૯૯૫માં કરશનદાસ સોનેરીની લોકચાહના ટોચ પર હતી અને તેમને હરાવવા મુશ્કેલ હતા. તેથી, તેમણે પોતે ગામેગામ સભાઓ કરીને પ્રચાર કર્યો હતો કે સોનેરીએ ૨૫ વર્ષમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને ગોવામાં હોટેલો ખરીદી છે. આ જૂઠાણા આધારિત પ્રચારના કારણે ૧૯૯૫માં સોનેરીની હાર થઈ અને ભાજપે ઇડર બેઠક જીતી લીધી.
પૃથ્વીરાજ પટેલે આ સાથે વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરાને પણ ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે રમણલાલ વોરાએ ગાંધીનગર પાસે ૧૩ કરોડની જમીન ખરીદી છે અને તેમના પુત્રો હોટેલ બનાવશે, જેના ઉદ્ઘાટનમાં તેમને આમંત્રણ મળશે તો તેઓ જરૂર જશે.