૨ ઓકટોબર ગાંધી જયંતીએ ગાંધીનગર જિલ્લાના ૨૮૮ ગામ ખાતે યોજાશે ગ્રામસભા
શિક્ષણ, આરોગ્ય- પોષણ, મહિલા સશકિતકરણ સહિત”મારૂં ગામ બાળ વિવાહ મુકત ગામ” અને “બાળમજૂર મુક્ત ગામ” બનાવવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે ૦૦૦૦૦૦૦૦ ગાંધીનગર તા. ૩૦ સપ્ટેમ્બર- ગ્રામ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ગ્રામજનોના સર્વ સમાવેશી અને સહભાગીતાને સુનિશ્ચિત કરવા માટે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આગામી તા. ૦૨ ઓક્ટોબર ૨૦૨૫ ગાંધી જયંતીના રોજ ગાંધીનગર જિલ્લાના કુલ ૨૮૮ ગામ ખાતે મુખ્ય ગ્રામસભા યોજવામાં આવશે. ગ્રામ સભામાં શિક્ષણ, આરોગ્ય- પોષણ, મહિલા સશકિતકરણ, બાળ સુરક્ષા, સમાજ કલ્યાણ તેમજ ગામના સામાન્ય વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.
આ સાથે તમામ ગ્રામ સભાઓ ખાતે બાળ વિવાહ મુકત ભારત અભિયાન અંતર્ગત વિશેષ ઠરાવ કરી “મારૂં ગામ બાળ વિવાહ મુકત ગામ” બનાવવા ગ્રામજનોને સમજૂત કરવામાં આવશે અને “બાળ મૈત્રીપૂર્ણ” ગામ થીમ હેઠળ બાળમજૂર મુક્ત ગામ બનાવવા અંગેના પગલાંઓ વિશે ગ્રામ સભામાં ચર્ચા કરવામાં આવશે. ૨ ઓકટોબરે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ૫૬ ગામ, માણસા તાલુકાના ૮૧ ગામ, ગાંધીનગર તાલુકાના ૫૮ ગામ અને દહેગામ તાલુકાના ૯૩ ગામ મળી કુલ ૨૮૮ ગામ ખાતે યોજાનાર ગ્રામસભાઓમાં ગ્રામજનોને “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન વિશે, રસોઈમાં ખાદ્યતેલના વપરાશમાં ઘટાડો કરી મેદસ્વિતામુક્ત બનવા માટે માહિતગાર કરવામાં આવશે તેમજ લોકો નિક્ષય મિત્ર તરીકે જોડાઈ શકે તે માટે તમામ સભાઓમાં રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે.