આજે 3 વાગે બાપાના અંતિમ સંસ્કારઃ અંતિમવિધિમાં ચંદનના બદલે વપરાશે સામાન્ય લાકડું
સાળંગપુર:13 ઓગસ્ટ(શનિવારે)અક્ષર નિવાસી થયેલા પ્રમુખ સ્વામી મહારાજના અગ્નિ સંસ્કાર 17 ઓગસ્ટ(બુધવારે) બપોરે 3 કલાકે સંપૂર્ણ હિન્દુ વિધિ મુજબ સંતોના શ્લોક અને મંત્રોચ્ચાર સાથે થશે. વધુમાં બાપાની ઇચ્છા મુજબ તેમની અંતિમવિધિમાં સામાન્ય લાકડાનો જ ઉપયોગ કરાશે. જ્યારે ચંદનનું લાકડું પ્રતિક સ્વરૂપે જ મૂકવામાં આવશે. આ પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ સહિત રાજનેતાઓ અને સંતો મહંતો હાજર રહેશે.
પ્રમુખ સંતોની ઉપસ્થિતિમાં જ સંપૂર્ણ વિધિ કરવામાં આવશે
બીએપીએસ સંસ્થાના પ્રવક્તા અક્ષર વત્સલ સ્વામીએ આ વિશે વધુમાં જણાવ્યું કે, તેમની અંતિમક્રિયા સંપૂર્ણ વૈદિક પરંપરા મુજબ થશે. જેના માટે હાલ જ્યાં તેમનું પાર્થિવ શરીર મૂકવામાં આવ્યું છે તે ગુરુ મંડપમાંથી સવારે 11 વાગે નાના રથ દ્વારા તેમના પાર્થિવ શરીરને તેઓ નિવાસ કરતા હતા એ કક્ષમાં લઈ જવામાં આવશે. જ્યાં પ્રમુખ સંતોની ઉપસ્થિતિમાં જ સંપૂર્ણ વિધિ કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્ય સંતો સિવાય અન્ય કોઈને ત્યાં પ્રવેશ અપાશે નહીં. ત્યારબાદ અગ્નિ સંસ્કાર સ્થળે તેમને બપોરે 3 વાગે લઈ જવામાં આવશે. ત્યાં પણ સંતો દ્વારા શ્લોક પાઠ કરવાની સાથે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવશે ત્યારબાદ તેમને અગ્નિદાહ આપવામાં આવશે. બાપાની અંતિમ વિધિના લાઈવ દર્શન કરી શકે તે માટે અનેક સ્થળે મોટા સ્ક્રીન લગાડવામાં આવશે.
દિવસભરનો કાર્યક્રમ
– સવારે 11 કલાકે પ્રમુખ સ્વામીની પાલખી યાત્રા રદ કરવામાં આવી છે
– બપોરે 12 વાગ્યાથી સંતો દ્વારા અંતિમવિધિ શરૂ કરવામાં આવશે
– બપોરે 3 વાગ્યા પછી મહંત સ્વામીના હસ્તે અગ્નિદાહ