ટ્રમ્પની ઝેલેન્સ્કીને પુતિનની શરતો સ્વીકારવાની વિનંતી: ‘કરાર કરો અથવા વિનાશનો સામનો કરો’
રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવાના પ્રયાસમાં, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. જોકે, આ બેઠક અત્યંત તણાવપૂર્ણ રહી હતી. અહેવાલ મુજબ, ટ્રમ્પે ઝેલેન્સ્કીને રશિયાની શરતોનો સ્વીકાર કરવા માટે વિનંતી કરી અને ચેતવણી આપી કે જો તેઓ આમ નહીં કરે તો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનને તબાહ કરી દેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે ઝેલેન્સ્કી પર સમગ્ર ડોનબાસ વિસ્તાર રશિયાને સોંપી દેવા માટે દબાણ કર્યું હતું. આના બદલામાં, પુતિન દક્ષિણ ખેરસાન અને ઝાપોરિઝિયા પ્રદેશના કેટલાક નાના હિસ્સાઓ યુક્રેનને પાછા આપવા તૈયાર છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને સ્પષ્ટપણે કહ્યું હતું કે ‘યુક્રેને કાં તો કોઈ કરાર કરવો પડશે અથવા તો વિનાશનો સામનો કરવો પડશે.’
આ બેઠકમાં ઝેલેન્સ્કીનો મુખ્ય ઉદ્દેશ લાંબા અંતરની ટોમહોક ક્રૂઝ મિસાઇલો સપ્લાય કરવા માટે ટ્રમ્પને મનાવવાનો હતો, પરંતુ અમેરિકન પ્રમુખે યુક્રેનને આ શસ્ત્રો આપવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો, જે યુક્રેન માટે મોટો આંચકો છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને એ પણ કહ્યું કે પુતિને તેમને સમજાવ્યું છે કે આ સંઘર્ષ ‘યુદ્ધ નથી, પરંતુ એક સ્પેશિયલ ઓપરેશન’ છે.