બોલિવુડની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટી સામે સુરતમાં ફ્રોડ કેસમાં ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું
સુરત :
બોલિવુડ (Bollywood)ની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)ના માતા સુનંદા સુરેન્દ્ર શેટ્ટી (Sunanda Shetty) સામે સુરત (Surat)ની જેએમએફસી કોર્ટે બિનજામીન પાત્ર પકડ વોરંટ ઈશ્યુ કરાયું છે. પ્રફુલ્લ સાડી (Praful Sarees) સાથે એડ ફિલ્મની રોયલ્ટીને લઇને ઉભી થયેલી તકરારમાં શિલ્પાના માતા-પિતા વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2003મા ગુનો નોંધાયો હતો. 30મી સપ્ટેમ્બરના રોજ શિલ્પાની માતાએ સુરત કોર્ટમા હાજર થવુ પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરની જાણીતા પ્રફુલ્લ સાડીના માલિક શિવનારાયણ અગ્રવાલે વર્ષ 1998મા શિલ્પા શેટ્ટી સાથે એડ કોન્ટ્રાકટ સાઈન કર્યો હતો. તેમણે પોતાની પ્રોડક્ટની એડ ફિલ્મ કરાવી હતી. જેનુ સ્વિત્ઝરલેન્ડ અને પેરિસમાં શુટીંગ થયુ હતું. એડ ફિલ્મના ટેલિકાસ્ટ અંગે કોઇ ચોક્કસ સમયમર્યાદા નક્કી થઈ ન હતી. કંપની દ્વારા શિલ્પા શેટ્ટીને એડ ફિલ્મના ચાર લાખ રૂપિયા ચૂકવી દેવાયા હતા. આમ છતા શિલ્પાની માતા સુનંદા દ્વારા વધારાની રોયલ્ટી પેટે બે લાખ રૂપિયાની માંગણી કરી હતી.
આ ઝઘડામા ગેંગસ્ટર ફઝલુ રેહમાને ફરિયાદીને વર્ષ 2003મા સંખ્યાબંધ ફોન કરી રૂપિયા બે કરોડની ખંડણી માંગી હતી. નહિ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં અગ્રવાલે ઉમરા પોલીસ મથકમાં શિલ્પા શેટ્ટીની માતા સુનંદા, પિતા સુરેન્દ્ર , દિનેશ રાય, દિલીપ પલસેકર તથા પદમનાભમ પોટીયન વિરુદ્ઘ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. વર્ષો બાદ પણ એક યા બીજા કારણોસર આ કેસમાં અદાલતની કાર્યવાહી આગળ વધતી ન હતી. કેસમાં સહઆરોપી પદનાભમ પોટીયન મુંબઇથી સુરત આવી રેગ્યુલર કોર્ટમા હાજરી આપે છે. છેલ્લી કેટલીક તારીખો દરમિયાન તેમના એડવોકેટ રાજેશ ઠાકરીયા દ્વારા આ કેસમા ચાર્જફ્રેમ કરી કેસ ઝડપથી ચલાવવા કોર્ટને રજુઆત કરવામા આવતી હતી. છેલ્લા ચાર ઠરાવથી સુનંદા શેટ્ટીને કોર્ટમા હાજર રહેવા તેમના એડવોકેટ મારફતે અવારનવાર જણાવવામા આવ્યુ હતુ. આમ છતા એડવોકેટ ઝવેરી દ્વારા હાજરી મુક્તિની અરજી કરવામા આવી હતી. જે કોર્ટે ફગાવી દઇ સુનંદા શેટ્ટી વિરુધ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરાયું છે. આ કેસની વધુ સુનાવણી 30મી સપ્ટેમ્બરના રોજ યોજાશે.