જિલ્લા સમાહર્તાએ મહુડી ખાતે ઘંટાકર્ણ મહાવીર જૈન મંદિરની આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ ટ્રાફિકનું યોગ્ય નિયમન કરવા અપીલ કરી
ગાંધીનગર તા.૧૭ ડિસેમ્બર-નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન અને સૂચન મુજબ , ગાંધીનગર જિલ્લાના પવિત્ર યાત્રાધામોની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જિલ્લા સમાહર્તા શ્રી મેહુલ દવેએ કમર કસી છે . કલેકટરશ્રી પોતે યાત્રાધામોની વિશેષ મુલાકાતો લઈ રહ્યા છે.
આજે માણસા તાલુકાના મહુડી ખાતે કલેક્ટર શ્રી દવેએ ગ્રામજનો સાથે બેઠક યોજી, ગામ માં તેમજ મહુડી ઘંટાકર્ણ મહાવીર જૈન મંદિરની આસપાસ સ્વચ્છતા જળવાય તેમજ ટ્રાફિકનું યોગ્ય નિયમન થાય તે માટે અપીલ કરી હતી. યાત્રાધામની સ્વચ્છતા પર ભાર મૂકી, તેમણે મંદિરની પવિત્રતાને આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર જણાવી સ્વચ્છતામાં જ પ્રભુતાનો સંદેશ આપ્યો હતો.
જિલ્લા સમાહર્તાશ્રીએ સૌ પ્રથમ ગ્રામ પંચાયત કચેરી ખાતે સામાન્ય દફતર નિરીક્ષણ કરી, જરૂરી સુચનાઓ આપી હતી. તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહુડીની મુલાકાત લઈ ઓપીડીમાં આવેલ દર્દીઓને પૂરતી આરોગ્ય સુવિધા મળે છે કે કેમ તે અંગે પૃચ્છા કરી, હાજર સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી આરોગ્ય સેવાઓને જન સેવાનું માધ્યમ બનાવવા માટે જણાવ્યું હતું.

