કલેકટર કચેરી ખાતે સુશાસન દિવસ નિમિત્તે “પ્રશાસન ગાંવ કી ઓર” વિષય પર વર્કશોપ યોજાયો
ગાંધીનગર
સુશાસન દિવસ નિમિત્તે કલેકટર કચેરી ખાતે જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓ માટે “પ્રશાસન ગાંવ કી ઔર” વિષય પર ડિસેમિનેશન વર્કશોપ યોજવામાં આવ્યો હતો જેમાં નિવૃત્ત આઇ.એ.એસ. શ્રી વી.એસ. ગઢવી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી વી.એસ.ગઢવીએ કહ્યું હતું કે,” ગ્રામીણ વિસ્તારોમાં સરકારી કર્મચારીઓની પહોંચ, તેમના સંપર્કો, આપાતકાલીન સ્થિતિમાં તેમની જીણવટભરી સૂઝ એ તેમને કર્મનિષ્ઠ પ્રજા સેવક તરીકે ઓળખ આપે છે.”તેમણે પોતાના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો તાજા કરી કર્મયોગીઓને નૈતિકતા, કર્મનિષ્ઠા અને તમામ સ્તરના કર્મચારીઓની કામગીરીને વખાણી હતી.
તેમણે પાયાના સ્તરે આયોજન, ક્રાઈસીસ મેનેજમેન્ટ અને કટોકટીના સમયે નવી વિચારધારા સાથે પ્રશંસનીય કામગીરી કરતા લોકોને બિરદાવ્યા હતા. આ વર્કશોપમાં ગાંધીનગર જિલ્લાની “રાજ્ય સેવક આપને ગામ” નવી પહેલ અંગેની કામગીરીનું ફિલ્મ નિદર્શન કરાયું હતું. સાથે જ પ્રાંત અધિકારી શ્રી કલોલ, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી તેમજ ડી.કયુ.એ.એમ.ઓ. દ્વારા જનસેવા કેન્દ્ર, કલોલમાં તમામ ગામોમાં લાઇબ્રેરીની સુવિધાઓ, સમરસ હોસ્ટેલ અને આરોગ્યમાં ગરવી અને હેલ્ધી ગાંધીનગર અંગે પ્રેઝન્ટેશન સાથે રજુઆત કરવામાં આવી હતી. આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી નિશા શર્મા, ખાસ જમીન સંપાદન અધિકારી શ્રી એ.ડી.વણઝારા તથા ગાંધીનગર જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

