એક દિવસીય યોગ ટ્રેનર રિફ્રેશ તાલીમ કેમ્પસનું સફળ આયોજન
ગાંધીનગર, યોગના પ્રચાર અને પ્રસારને વધુ મજબૂત બનાવવા તથા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને વેગવંતુ બનાવવા માટે એક દિવસીય યોગ ટ્રેનર રિફ્રેશ તાલીમ કેમ્પસનું સફળ આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરનો હેતુ ટ્રેનરોને યોગ, આહાર વિજ્ઞાન, સંગઠન શક્તિ તથા આધ્યાત્મિક ઉર્જા વિષયક નવતર માર્ગદર્શન આપવાનો રહ્યો. કાર્યક્રમની શરૂઆત સ્ટેટ કોર્ડીનેટર અનિલભાઈ દ્વારા પ્રાર્થના મંત્ર સાથે કરવામાં આવી હતી. તેમણે યોગના અમુક મહત્વપૂર્ણ આસનોના નિયમો અને યોગ્ય પદ્ધતિ વિશે વિસ્તૃત સમજ આપી મેદસ્વિતાને કઈ રીતે હરાવી શકાય તેની માહિતી આપી હતી. ત્યારબાદ ઝોન કોર્ડીનેટર કૃષ્ણાબેન દ્વારા સત્સંગનું મહત્વ અને સંગઠન દ્વારા સમાજમાં યોગ ચેતના ફેલાવવાની ભૂમિકા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
યોગ કોચ અને કોઓર્ડીનેટરે અનિલભાઈ દ્વારા આહાર વિજ્ઞાન વિષયક સેશનમાં સ્વસ્થ જીવનશૈલી માટે સાત્વિક આહારનું મહત્વ સમજાવ્યું. શોભનાબેન શાહ દ્વારા ઇન્ટરએક્ટિવ સેશન યોજાઈ જેમાં પ્રશ્નોત્તરી સાથે સાઈટિકા જેવી સમસ્યાઓમાં યોગ દ્વારા પ્રોબ્લેમ સોલ્વ કરવાની પદ્ધતિ શીખવવામાં આવી હતી. વિશેષ આકર્ષણરૂપે યોગ એક્સપર્ટ ગાયત્રી પરિવારના અશ્વિનભાઈ દવે દ્વારા સેશન લેવામાં આવ્યું, જેમાં તેમણે આસન, અપાર યુદ્રા તેમજ યુનિવર્સ ઉર્જા વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી, જે ઉપસ્થિત સૌ માટે પ્રેરણાદાયક રહ્યું હતું.
આ ઉપરાંત ઝોન, જિલ્લા તથા અપડેટ કોઓર્ડીનેટરો દ્વારા યોગ ક્લાસમાં સંખ્યા વધારવા, તેમજ સોશિયલ મીડિયા મારફતે યોગનો વ્યાપ વધારવા માટે પોસ્ટ લાઈક, શેર અને ફોલો કરવાની પ્રાયોગિક સમજ આપવામાં આવી. આ કાર્યક્રમના અંતે જનજાગૃતિ માટે રેલી કાઢી ડોર-ટુ-ડોર યોગ ટ્રેનર પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

