ગુજરાતમાં નવા વર્ષનો ઐતિહાસિક પ્રારંભ: એક લાખથી વધુ નાગરિકોએ સૂર્ય નમસ્કાર અને ધ્યાન દ્વારા ૨૦૨૬ને વધાવ્યું
ગાંધીનગર
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ‘નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર’ કાર્યક્રમ આજે રાજ્યભરમાં અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયો. ૧લી જાન્યુઆરી ૨૦૨૬ના પ્રથમ સૂર્યોદયને વધાવવા માટે ગુજરાત તેમજ સમગ્ર દેશ અને વિદેશના એક લાખથી વધુ નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનોએ વિદેશી સંસ્કૃતિના આંધળા અનુકરણને તિલાંજલિ આપી, યોગ અને સૂર્ય ઉપાસનાના માધ્યમથી નવા વર્ષનો મંગલ પ્રારંભ કર્યો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમના નિવાસસ્થાનેથી પ્રેરણાદાયી ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે,નવા વર્ષની ઉજવણી મોડી રાત સુધીની પાર્ટીઓમાં કરવાને બદલે વહેલી સવારે યોગ, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર સાથે કરવી જોઈએ. આ તંદુરસ્ત શરૂઆત યુવાનોની પ્રગતિ અને સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ બનશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સત્તાવાર YouTube ચેનલ પર આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં એક લાખથી વધુ લોકોએ પોતપોતાના ઘરે, અગાશી પર કે નજીકના બગીચાઓમાંથી ઓનલાઈન જોડાઈને ૧૨ આસનોના સમૂહ એવા સૂર્ય નમસ્કાર કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૂર્ય નમસ્કારના ઇતિહાસ, હનુમાનજીની સૂર્ય સાધના અને તેના વૈજ્ઞાનિક ફાયદાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સત્રના અંતે સામૂહિક ધ્યાન (Meditation) દ્વારા શાંતિ અને એકાગ્રતાનો અનુભવ કરવામાં આવ્યો હતો.
આ ઐતિહાસિક અભિયાનમાં જોડાયેલા તમામ નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ ‘સૂર્ય નમસ્કાર’ સાથેના ફોટો અને વીડિયો મોટા પ્રમાણમાં પોસ્ટ થયા હતા, જે દર્શાવે છે કે ગુજરાતની નવી પેઢી હવે સ્વાસ્થ્ય અને સંસ્કાર પ્રત્યે વધુ સજાગ બની છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજી એ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ સરકારી વિભાગો, કચેરીઓ અને નાગરિકોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ દ્વારા ગુજરાતમાં ‘મેદસ્વિતા મુક્ત’ અને ‘રોગ મુક્ત’ ભવિષ્ય વિકસાવવા માટે એક મજબૂત પાયો નંખાયો છે.

