રાજ્યના ૮.૪૫ લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ₹ ૧૩૭૩ કરોડના દાવા મંજૂર
ગાંધીનગર:
રાજ્યના નાગરિકોને સત્વરે સારવાર મળી રહે એ માટે ઓપીડીના સમય દરમિયાન એટલે કે કામકાજના સમય દરમિયાન રાજ્યભરમાં ડૉકટરોને લગતા કોઇ પણ સેમિનારનું આયોજન કરાશે નહીં તથા રાજ્યભરમાં આગામી બે વર્ષમાં ૧૧ હજારથી વધુ હેલ્થ વેલનેસ સેન્ટર પણ ઊભા કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે, એમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે અપાય છે, જેની સાથે રાજ્ય સરકારની ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાને જોડી દેવાઇ છે. હવેથી ‘મા’, ‘મા વાત્સલ્ય’ અને ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય’ યોજના હેઠળના તમામ લાભાર્થીઓને રૂપિયા પાંચ લાખની સારવાર વિના મૂલ્યે આપવાનો નિર્ધાર કર્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યના અંદાજીત ૮૦ લાખ કુટુંબો એટલે કે, ૪ કરોડ વ્યક્તિઓને આવરી લેવાયા છે, જે પૈકી ૭૩.૮૯ લાખ કુટુંબો એટલે કે ૩.૭૦ કરોડ વ્યક્તિઓની નોંધણી પણ થઇ ગઇ છે. રાજ્યમાં આ માટે ૨,૬૩૭ હૉસ્પિટલો સાંકળી લેવાઇ છે અને અત્યાર સુધીમાં હ્રદય, કીડની, કેન્સર સહિત વિવિધ રોગોના ૮.૪૫ લાખ લાભાર્થીઓએ કુલ ૧૩૭૩.૬ કરોડના દાવા સાથે દેશમાં ગુજરાત મોખરે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના નાગરિકોને ૧૨થી વધુ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે આગામી બે વર્ષમાં ૧૧,૦૧૭ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્રો વિકસાવવામાં આવશે. ‘આયુષ્માન ભારત’ હેઠળ દેશભરમાં ૧,૫૦,૦૦૦ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો શરૂ કરવામાં આવશે. સગર્ભા અને બાળરોગ સેવાઓ, બાળકોનું રસીકરણ, આંખ, કાન, નાક, ગળા, દાંતના રોગ સારવાર, વૃદ્ધો માટે સારવાર, માનસિક રોગ સારવાર, યોગ, આયુર્વેદ સારવાર અપાશે. આ માટે ૭૯૦ કોમ્યુનિટી હેલ્થ ઑફિસરની નિમણૂક કરી તેમને કાર્યમાં જોડવામાં આવશે.