ટ્રમ્પે PM મોદીને આપ્યો દગો, ‘Howdy Modi‘ માં વડાપ્રધાન સાથે રહેનારે પીઠ પાછળ પાકિસ્તાનનો લીધો પક્ષ
ન્યૂયોર્ક :
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સોમવારે ન્યૂયોર્કમાં મુલાકાત થઈ હતી. મુલાકાત પહેલા ટ્રમ્પ અને ઈમરાન ખાને એક પત્રકાર પરિષદમાં કેટલાક પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે વડાપ્રધાન મોદી અને ઈમરાન ખાન વિશેના પોતાનો મત પણ પ્રકટ કર્યો હતો. હજુ અમેરિકાના હ્યુસ્ટનમાં રવિવારે હાઉડી મોદી કાર્યક્રમમાં વિશ્વભરના નેતાઓએ PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની જુગલબંધી જોઈ હતી, ત્યારે તેની પછીના દિવસે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર ઓળઘોળ જોવા મળ્યા હતા. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાનને મહાન નેતા ગણાવ્યા હતા.
એક પ્રશ્નના ઉત્તરમાં ટ્રમ્પે જણાવ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે “હાઉડી મોદી” કાર્યક્રમમાં જંગી જનમેદની વચ્ચે ખૂબ જ આક્રમક ભાષણ આપ્યું હતું. ભારત અને PM મોદી તરફથી એગ્રેસિવ નિવેદન સાંભળવા મળ્યુ, એ સમયે હું ત્યાં ઉપસ્થિત હતો, ત્યાં ઉપસ્થિત સૌ કોઈને તેમનું નિવેદન ગમ્યુ હતું.
જણાવી દઈએ કે, નરેન્દ્ર મોદીએ રવિવારે હ્યૂસ્ટનમાં “હાઉડી મોદી” કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વિના જણાવ્યું હતું કે, ભારતના કાશ્મીર મુદ્દે ઐતહાસિક નિર્ણયથી તેમને તકલીફ છે. જે લોકોથી પોતાનો દેશ નથી સંભાળી શકાતો આ એ લોકો છે, જે આતંકવાદને સમર્થન કરે છે.
ટ્રમ્પે જણાવ્યું કે, આશા છે કે, પાકિસ્તાન અને ભારત સાથે આવશે અને કંઈક એવું કરે, જે બન્ને માટે સારૂ હોય. હું માનુ છું કે, દરેક સમસ્યાનું કોઈ સમાધાન ચોક્કસ હોય છે, આનું પણ કંઈક સમાધાન નીકળશે.
મધ્યસ્થતા માટે તૈયાર છું
કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા અંગે પાકિસ્તાની પત્રકારો દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા ટ્રમ્પે જણાવ્યું કે, હું તૈયાર છું, પરંતુ આ એક જટિલ મુદ્દો છે, જે લાંબા સમયથી ચાલી રહ્યો છે. જો બન્ને દેશો ઈચ્છશે તો હું કંઈક કરવા તૈયાર રહીશ, પરંતુ ભારતનું તૈયાર થવું જરૂરી છે.
ટ્રમ્પે ઈમરાન ખાનની કરી પ્રસંશા
પાકિસ્તાન દ્વારા આતંકવાદના મોર્ચે ઉઠાવવામાં આવી રહેલા પગલા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે, પાકિસ્તાને આતંકવાદનો સફાયો કરવામાં પ્રગતિ કરી છે. તેમણે જણાવ્યું કે, ઈમરાન ખાન ખુબ જ મહાન નેતા છે અને તેઓ આતંકવાદનો સફાયો કરવામાં આગળ વધવા માંગે છે. આનો અન્ય કોઈ ઉપાય નથી. પાકિસ્તાને આતંકવાદ વિરૂદ્ધ એક્શન લેવી જ પડશે, નહીંતર માત્ર અરાજક્તા અને ગરીબી રહેશે.
ઈમરાન ખાનની ટ્રમ્પ પાસે અપેક્ષા
પાકિસ્તાની પ્રધાન મંત્રી ઈમરાન ખાને જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્ર્મ્પ વિશ્વના સૌથી શક્તિશાળી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. તમે મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. તમે એ પણ જણાવ્યું હતું કે, આ માટે બન્ને દેશો તૈયાર થવા જોઈએ. જો કે દુર્ભાગ્યવશ ભારતે અમારી સાથે વાત કરવાનો ઈન્કાર કરી રહ્યું છે. આ સ્થિતિમાં મને લાગે છે કે, એક મોટા સંકટની શરૂઆત છે.
ઈમરાન ખાને જણાવ્યું કે, મને લાગે છે કે, કાશ્મીરનું આ સંકટ ખુબ જ ગંભીર થવા જઈ રહ્યું છે. અમેરિકા શક્તિશાળી દેશ છે અને તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને પણ પ્રભાવિત કરી શકે છે. આથી અમે ઈચ્છીએ છીએ કે, અમેરિકા આ મુદ્દો ઉઠાવે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાન બન્ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકામાં છે. ઈમરાન ખાન અગાઉ જ કહી ચૂક્યા છે કે, તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં નેતાઓ સમક્ષ કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે.
ટ્રમ્પ-ઈમરાનની મુલાકાત બાદ પાકિસ્તાની વિદેશ મંત્રાયલનું નિવેદન
ટ્રમ્પ અને ઈમરાન ખાનની મુલાકાત બાદ પાકિ્સ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ પત્રકારો સાથે વાતચીક કરતા જણાવ્યું કે, આ મુલાકાત પહેલાથી જ નક્કી હતી. આ મુલાકાતમાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને કાશ્મીર, અફઘાનિસ્તાન અને ઈરાન જેવા ત્રણ મુદ્દાઓ પર ભાર મુક્યો હતો.
કાશ્મીરની સ્થિતિ પર ઈમરાન ખાને રાષ્ટ્રપતિ ટ્રમ્પને સ્પષ્ટ જણાવ્યું કે, એક માનવીય સંકટ સર્જાયું છે. 80 લાખ લોકો ખુલ્લી જેલમાં છે અને તેમના મૂળભૂત હક્કો છીનવી લેવામાં આવ્યા છે. કાશ્મીરમાં સ્થિતિ વધારે વણસી ગઈ છે.
કુરૈશીએ વધુમાં જણાવ્યું કે, જો ભારત કોઈની સાંભળશે, તો તે અમેરિકા છે અને અમેરિકાએ પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. જો કાશ્મીર સમસ્યાનો ઉકેલ મેળવવો છે અને ત્યાં ખૂનખરાબાની બચવું છે, તો પછી અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિશષદમાં પોતાની ભૂમિકા ભજવવી પડશે. ઈમરાન ખાને આ બાબતે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંદેશો આપ્યો છે.
ઈરાન મુદ્દે પ્રધાનમંત્રી ઈમરાન ખાને જણાવ્યું કે, કશું જાણ્યા-વિચાર્યા વિના ઈરાન પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે, તો પરિણામ ભયાનક આવશે.