ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે ના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર ભૂસ્તર તંત્ર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક પગલા ભરવામાં આવ્યા
ગાંધીનગર,
જાન્યુઆરી કલેક્ટરશ્રી ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા બિન-અધિકૃત ખનન, વહન તથા સંગ્રહ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી મધ્યરાત્રિના સમયે ઘોર અંધારામાં મોજે-કારોલી, તા. કલોલ, જી. ગાંધીનગર ખાતે આવેલ તળાવ વિસ્તારમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તળાવ વિસ્તારમાં સાદી માટી ખનિજનું તાજું ખોદકામ થયેલું હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમ્યાન Liugong કંપનીનું પીળા રંગનું એક એસ્કેવેટર મશીન (PIN-LGC922DZEJC109236) સ્થળ પર મળી આવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે સદર મશીનના માલિક શ્રી કનુભાઈ જયરામભાઈ દેસાઈ, રહે. કારોલી, તા. કલોલ, જી. ગાંધીનગર દ્વારા સાદી માટી ખનિજનું બિન-અધિકૃત ખનન કરવામાં આવી રહ્યું હતું. જેના પગલે સદર એસ્કેવેટર મશીનને જપ્ત કરી કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર તપાસ કામગીરી મધ્યરાત્રિથી શરૂ થઈ બીજા દિવસે સાંજ સુધી સતત ચાલી હતી. જપ્ત કરાયેલ એસ્કેવેટર મશીન સહિત અંદાજે રૂ. ૪૫ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ ઉપરાંત બિન-અધિકૃત રીતે ખનન કરાયેલ સાદી માટી ખનિજના જથ્થાની માપણી કરી દંડની રકમ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ જપ્ત કરાયેલ મશીનના માલિક વિરુદ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો–૨૦૧૭ અંતર્ગત કડક દંડકીય કાર્યવાહી કરવામાં આવશે.

