ગાંધીનગર

પ્રજાસત્તાક પર્વ: જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં માણસા પાલિકા ખાતે પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઈ

આગામી તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ગાંધીનગર જિલ્લા કક્ષાની ઉજવણી માણસા આર્ટસ કોલેજ ખાતે આન, બાન અને શાન સાથે યોજાશે. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરાશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે હેતુસર જિલ્લા કલેક્ટરશ્રી મેહુલ કે.દવેની અધ્યક્ષતામાં માણસા નગરપાલિકા ખાતે પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ કાર્યક્રમની તમામ વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ થાય તેમજ કાર્યક્રમની ગુણવત્તા અને દેશનું ગૌરવ જળવાઈ રહે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.સાથે જ પ્રજાસત્તાક પર્વની તૈયારી માત્ર ધ્વજવંદનના કાર્યક્રમ કે મેદાન પુરતી નહીં પણ દરેક નાગરિકોના ઘર,ગલી મહોલ્લામાં દેશભક્તિના રંગો ફેલાય,ઘરે ઘરે તોરણ બંધાય અને મા ભારતીનો જયકાર ગગનભેદી નાદ સાથે સંભળાય તેવી રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા નગરવાસીઓને કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જિલ્લા કક્ષાના આ પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં હંમેશા માફક વિવિધ સરકારી કચેરીઓ દ્વારા વિકાસલક્ષી તથા થીમ આધારિત ટેબ્લો રજૂ કરવામાં આવશે. ઉપરાંત દેશભક્તિના ભાવને ઉજાગર કરતી વિશેષ સાંસ્કૃતિક કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ પરેડનું પણ આયોજન કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. આ આયોજન બેઠકમાં માણસા નગરપાલિકાના સભ્યો,ધાર્મિક સંસ્થાઓ તથા શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધીઓ અને સેવાભાવી તથા દેશપ્રેમી સ્વાયત્ત સંસ્થાના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અંતર્ગત પ્રજાસતાક પર્વની ઉજવણીમાં માણસા તાલુકા સહિત સમગ્ર ગાંધીનગર જીલ્લાના નાગરિકોને હર્ષભેર જોડાવવા કલેક્ટરશ્રી મેહુલ કે.દવેએ અનુરોધ કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *