વિધાનસભા પેટા ચૂંટણીની સુરક્ષિત બેઠકો પર ભાજપના દિગ્ગજ નેતાઓની લાઈન
અમદાવાદ :
ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળ્યા બાદ હવે પ્રદેશ નેતાગીરી પણ મુજવણમાં મુકાઈ છે કે, આખરે ટીકીટ કોને આપવી? કારણ કે લગભગ બેઠકો પર અધધ નેતાઓએ ટીકીટ માંગી હોવાનું સામે આવી રહ્યું છે. કેટલીક બેઠક એવી છે જે વર્ષોથી ભાજપ પાસે છે એવી બેઠક પર સૌથી વધારે નેતાઓએ ચુંટણી લડવા બાયોડેટા મોકલ્યા હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. તો સૌથી મોટી બાબત એ છે કે, આ વખતે આ પેટા ચુંટણીઓ દરમિયાન કોને ટીકીટ આપવી એ નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બૉર્ડ નહી પરંતુ પ્રદેશ નેતાગીરી નક્કી કરશે પરંતુ ઉમેદવારના નામ દિલ્હીથી જાહેર થશે તેવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે.
ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાન પર મળી હતી જેમાં તમામ 6 વિધાનસભા વિસ્તારના સ્થાનિક નેતાઓ અને પ્રભારી નેતાઓને હજાર રાખી વિધાનસભા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જે કોઈ ઈચ્છુક નેતાઓ હોય કે જેના દ્વારા બાયોડેટા આપવામાં આવ્યા હોય તેના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રો જણાવી રહ્યા છે સૌથી વધારે 27 બાયોડેટા અમરાઈવાડી સીટ માટે આવ્યા છે. કારણ કે આ બેઠક શહેરી વિસ્તારની બેઠક છે અને આસાનીથી જીત મળી શકે જેથી આ બેઠક પર 27 જેટલા નેતાઓએ બાયોડેટા મોકલ્યા છે. પરંતુ તેમાંથી 15 જેટલા નામોની યાદી તૈયાર કરવામાં આવી છે. તો એ બાદ ખેરાલુ બેઠક પર સૌથી વધારે નેતાઓએ દાવેદારી નોંધાવી છે. 25 જેટલા બાયોડેટા પાર્લામેન્ટ્રી બોર્ડને મળ્યા છે પરંતુ એ બેઠક પર હજી વિચારણા ચાલી રહી છે. જો વાત કરીએ લુણાવાડાની તો ત્યાં પણ ભાજપના 8 જેટલા નેતાઓએ ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર સિવાય જગદીશ ઠાકોરે પણ ચુંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરી હોવાનું સુત્રો તરફથી માહિતી મળી રહી છે તો આ સિવાય બાયડ બેઠક પર પણ અનેક નેતાઓની દાવેદારી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આમ તમામ સીટ પર ભાજપના અધધ નેતાઓએ દાવેદારી કરતા પ્રદેશ ભાજપના નેતાઓ મુંજાયા છે કે, આખરે ક્યાં ઉમેદવારને ટીકીટ ફાળવવી તો બીજી તરફ આ સ્થિતિ સર્જાતા ભાજપના ઈચ્છુક નેતાઓએ પણ નામ નક્કી થાય એ પહેલા ચુંટણી લડવા માટે લોબિંગ શરુ કરી દીધું છે. સૂત્રો એ પણ જણાવી રહ્યા છે કે, હાલમાં તમામ વિધાનસભા સીટને લઈને યાદીઓ બનાવવામાં આવી છે, એ યાદી માંથી પ્રદેશ ભાજપનું શીર્ષ નેતૃત્વ નામ નક્કી કરી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડને મોકલી આપશે અને એ બાદ દિલ્હીથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવશે.