એઈમ્સનું ખાતમૂહુર્ત હમણા નહિઃ બુધવારે વડાપ્રધાનનો કાર્યક્રમ માત્ર અમદાવાદમાં જ
અમદાવાદ :
કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રની સર્વોત્તમ સુવિધા આપતી એઈમ્સ રાજકોટમાં જામનગર રોડ પર સ્થાપવાનું નક્કી થયુ છે. તેના ખાતમુહુર્ત માટે બીજી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવે તેવી હિલચાલ શરૂ થયેલ પરંતુ તેના પર હાલ પૂર્ણવિરામ મુકાય ગયુ છે. બીજી ઓકટોબરે વડાપ્રધાનનો કાર્યક્રમ ગુજરાતમાં એક માત્ર અમદાવાદમાં જ યોજાનાર છે. રાજકોટમાં એઈમ્સના ખાતમુહુર્ત પૂર્વેની જમીનને લગતી કેટલીક પ્રક્રિયા બાકી છે. એઈમ્સનું ખાતમુહુર્ત દિવાળી પછી થાય તેવી શકયત છે. વડાપ્રધાનનો નજીકના ભવિષ્યમાં રાજકોટમાં કોઈ કાર્યક્રમ નક્કી ન હોવાનું સત્તાવાર વર્તુળો જણાવે છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ મંગળવારે વડાપ્રધાન માત્ર અમદાવાદના કાર્યક્રમમાં આવી રહ્યા છે. સાબરમતિ નદીના કિનારે તે દિવસે સાંજે તેમની હાજરીમાં ગુજરાત અને બહારના રાજ્યોના ૨૦,૦૦૦ સરપંચોનું સંમેલન યોજાનાર છે. વડાપ્રધાન તે દિવસે સમગ્ર દેશને જાહેર શૌચક્રિયા મુકત જાહેર કરનાર છે. સરકાર અને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમની તડામાર તૈયારી થઈ રહી છે. રાજકોટમાં તે દિવસે તેમના કાર્યક્રમની કોેઈ હિલચાલ હાલ નથી.