Uncategorized

કચ્છ સરહદે જવાનો હવે સંપર્કવિહોણા નહીં રહે: ભેડિયાબેટ પાસે બીએસએનએલનો ટાવર કાર્યરત

ભુજ :

ભુજ દેશની અતિ સંવેદનશીલ ભૂમિસીમાનું રખોપું કરતા જવાનો હવે કોઇ પણ આપાતકાલિન સ્થિતિ સર્જાય ત્યારે સંપર્ક વિહોણા રહેશે નહીં, કારણ કે ભારત સંચાર નિગમ લિમિટેડે કચ્છની રણ સરહદે વીઘાકોટની બાજુમાં આવેલા ભેડિયાબેટ પાસેના હનુમાન મંદિર નજીક મોબાઇલ ટાવરને કાર્યરત કરી દીધો છે.

બીએસએનએલના જનરલ મેનેજર સંજીવ સિંઘવીએ જણાવ્યું હતું કે આર્મી, બીએસએફ સહિતની સુરક્ષા એજન્સીઓએ સંચાર સેવા વિકસાવવા બાબતે અવાર-નવાર રજૂઆત કરવા સાથે ઉચ્ચસ્તરે માગણી પણ મૂકી હતી. આ માગને ધ્યાને લઇ બીએસએનએલે થોડા સમય પહેલાં ભેડિયાબેટ પાસે મોબાઇલ ટાવર નાખવાનું કામ ચાલુ કર્યા બાદ ચારેક દિવસ પહેલાં જ આ મોબાઇલ ટાવરનું સફળ ટેસ્ટિંગ કરી ટાવરને કાર્યરત કરી દીધો છે. આ મોબાઇલ ટાવરનો ફેલાવો લગભગ ૧૫થી ૨૦ કિલોમિટર જેટલો રહેશે. ઉપરાંત આ મોબાઇલ ટાવરમાં ૨જી અને ૩જી સેવા હાલ તુરંત ઉપલબ્ધ કરાવાઇ છે. તો ધર્મશાળા પાસે હાલમાં જે મોબાઇલ ટાવર કાર્યરત છે તેને ૩જીમાંથી ૪જીમાં અપગ્રેડ કરાતાં કચ્છ બોર્ડરના મહત્તમ વિસ્તારને સારી કનેક્ટિવીટીથી સાંકળી લેવામાં આવી છે. પાકિસ્તાન કચ્છ સરહદની સામેપાર મોબાઇલ ટાવર સહિતની અનેક સુવિધાઓ વિકસાવી રહ્યું છે. તેવા સમયે કચ્છની સંવેદનશીલ રણ સરહદે મોબાઇલ ટાવર કાર્યરત કરી દેવાયાના આ નિર્ણયને સૂચક ગણાવાઇ રહ્યો છે.

સરહદે ફરજ બજાવતા જવાનો સંપર્ક વિહોણા ન રહે તે માટે ૩૫ જેટલા ડિઝિટલ સેટેલાઇટ ફોન અપાયા હતા. જોકે થોડા સમય પહેલાં આ સેટેલાઇટ ફોન સેવા પણ બંધ કરી દેવાઇ હતી. જોકે સબસિડી આપવા છતાં સેટેલાઇટ ફોનથી કરાતો કોલ જવાનોને પ્રતિ મિનિટ એક રૂપિયાનો પડતો હતો જે વર્તમાન ટેકનોલોજીના યુગમાં અસહ્ય ગણાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x