કચ્છના મુન્દ્રા બંદરેથી ઈંગ્લેન્ડ પહોંચી ગયેલી ઘો ખાસ મહેમાન બની ગઈ !
ભુજ:
બે વર્ષ અગાઉ ઉત્તર અમેરિકામાં જોવા મળતું રેક્કુન નામનું સસ્તન નિશાચર પ્રાણી કચ્છના કંડલા બંદરે ટીમ્બરના કોઈ જહાજમાં ભૂલથી બેસીને આવી ચડ્યું હતું. હવે આ વખતે કચ્છના મુંદરા બંદરેથી રેતી-પથરા ભરીને જતા માલવાહક જહાજના એક ક્ધટેઈનરમાં ભૂલથી પેસી ગયેલી ઘો ઈંગ્લેન્ડના લોકો માટે ખાસ મહેમાન બની ગઈ છે. કચ્છમાં ઠેર ઠેર જોવા મળતી ઘો કાર્ગો ક્ધટેઈનરના ડૉરની ફાંટમાંથી ઘૂસી ગઈ હોવાની શક્યતા છે.
જહાજના ક્ધટેઈનરમાં ઘૂસી ગયેલી ઘો ૪૭૦૦ માઈલ (૭૫૬૩ કિલોમીટર)નો દરિયાઈ પ્રવાસ ખેડીને ઈંગ્લેન્ડના લીવરપુલમાં આવેલા એલેક્ઝાન્ડ્રિયા ડૉક પર પહોંચી ગઈ છે. કામદારો જ્યારે ગોદામમાં ક્ધટેઈનર ખોલવા ગયા ત્યારે ક્ધટેઈનર બહાર આરામથી ફરતી ઘો પર તેમની નજર પડી હતી. ઘોને જોઈને અમુક લોકો ડરી ગયા હતા તો અમુક લોકોએ તેનાં ફોટાઓ પાડી, સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. ધીરે ધીરે ઘો અંગે સ્થાનિક સત્તાવાળાઓએ વેટરનરી હૉસ્પિટલનો સંપર્ક કરતાં વેટરનરી તજજ્ઞો આવીને તેને લઈ ગયાં હતા. બે ફૂટની આ ઘો હજુ પુખ્ત થઈ નથી. ગરમ પ્રદેશમાંથી ઠંડા પ્રદેશમાં પહોંચી ગયેલી આ ઘો ઈંગ્લેન્ડના છાપાઓની હેડલાઈનોમાં છવાઈ ગઈ છે. વાતાવરણની વિષમતા વચ્ચે જીવતી જાગતી આવી ચઢેલી ઘોનું લોકોએ મિરેકલ (ચમત્કાર) એવું હુલામણું નામ પણ પાડી દીધું છે. હાલ આ વિદેશી મહેમાનને ઈંગ્લેન્ડમાં વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે.