ગાંધીનગર

રાજેશ્રીબહેન દ્વારા લિખિત કાવ્યસંગ્રહ ‘મારી બારીનું આકાશ’ નું પુલક ત્રિવેદીના હસ્તે લોકાર્પણ

કવયિત્રી રાજેશ્રીબહેન ત્રિવેદી ઉર્ફે ‘રજકણ’ના કાવ્યસંગ્રહ ‘મારી બારીનું આકાશ’નું વિજયાદશમીના પાવન અવસરે જાણીતા ચિંતક, લેખક અને વક્તા પુલકભાઈ ત્રિવેદીના હસ્તે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદમાં સાદગીપૂર્ણ છતાં ગરીમામય સમારોહમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પુસ્તકનું લોકાર્પણ કરતાં પુલકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજેશ્રીબહેનના સર્જનમાં માત્ર કલ્પનાઓની ઉડાન જોવા મળતી નથી, પરંતુ જીવનની નક્કર વાસ્તવિકતાઓનો પણ સંવેદનશીલ અને અનોખો ઉઘાડ થાય છે. તેમના સર્જનની વિશિષ્ટતા એ છે કે તેમાં એક તરફ આધ્યાત્મિક ઊંચાઈનો અનુભવ થાય છે, તો બીજી તરફ શબ્દોની સર્જનાત્મક શક્તિ અને અભિવ્યક્તિનું સામર્થ્ય પણ એટલી જ સહજતાથી પ્રગટે છે. પોતાની કેફિયતના રાજેશ્રીબહેને જણાવ્યું હતું કે, આધ્યાત્મિક ચિંતન અને જીવનાનુભૂતિના સુભગ સમન્વયથી તેમના કાવ્યસર્જનને આગવી ઓળખ મળી શકી છે. એમની સાહિત્યિક દૃષ્ટિના ઘડતરમાં તેમના સ્વાતંત્ર્યસેનાની પિતાશ્રી અને ગુરુ શ્રી પી. સી. મહેતાના આશીર્વાદ અને પ્રેરણાનો મહત્ત્વનો ફાળો રહ્યો હોવાનું એમણે જણાવ્યું હતું.
રાજેશ્રીબહેને બંગાળી સાહિત્ય અને રવીન્દ્રનાથ ટાગોરના સર્જનનો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત શ્રી અરવિંદ અને શ્રી માતાજીના આધ્યાત્મિક વિચારોનું ચિંતન, તેમજ ભગવદ્‌ગીતા, રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોના ગહન અધ્યયનથી તેમની સર્જનદૃષ્ટિ સમૃદ્ધ બની છે. આ અભ્યાસ અને જીવનચિંતન તેમના શબ્દોમાં પ્રતિબિંબિત થાય છે. વિજયાદશમીના પાવન પર્વે ‘મારી બારીનું આકાશ’નું લોકાર્પણ કરીને તેમણે સુર, શબ્દ અને સાધનાની ત્રિવેણીને ભાવકો સમક્ષ પ્રસ્તુત કરી હતી. સમારોહમાં જાણીતા સર્જકો કમલેશભાઈ શુક્લ, મેહુલભાઈ, વરિષ્ઠ સનદી અધિકારી સુનીલભાઈ અને સર્જક કિલ્લોલભાઈ સહિતના મહાનુભાવોએ રાજેશ્રીબહેનની સર્જનયાત્રાને બિરદાવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સર્જકોએ તેમની રચનાઓનું પઠન કરીને કાવ્યસર્જન પ્રત્યેનો પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. જાણીતા સર્જક વિભાબેન ભટ્ટ અને કમલેશભાઈ શુક્લે પોતાની આગવી શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજેશ્રીબહેનનાં કેટલાંક કાવ્યોને સંગીતમાં મઢીને રજૂ કરવામાં આવ્યાં હતાં, જેણે સમગ્ર વાતાવરણને કાવ્યમય બનાવ્યું હતું. આ પ્રસંગે જાણીતા લેખક મહેશભાઈ યાજ્ઞિક, તુષારભાઇ, ડૉ. સેસીલ પરમાર, કિશોરસિંહજી પઢિયાર, શિલ્પાબેન, આરતીબેન સહિત મોટી સંખ્યામાં સર્જકો, સાહિત્યપ્રેમીઓ અને ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાજેશ્રીબહેનના સર્જનને માણીને તેમના સાહિત્યિક પ્રયાસને આવકાર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *