ગાંધીનગર

ટેક્નોલોજી અને સંવેદનાનો ચમત્કાર: ગાંધીનગર ‘સખી સેન્ટર’ બન્યું મહારાષ્ટ્રની મહિલા માટે આશીર્વાદરૂપ

ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ યોજના મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ગાંધીનગર જિલ્લામાં સિવિલ કેમ્પસ, સેક્ટર-૧૨ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માનવતાની મહેક ફેલાવતો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ભાષાની અડચણ વચ્ચે પણ અથાક પ્રયાસોથી મહારાષ્ટ્રની રસ્તો ભૂલી ગયેલી એક ૫૦ વર્ષીય મહિલાને તેના પરિવાર સાથે હેમખેમ મિલન કરાવવામાં આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો તા.૧૯/૧૦/૨૦૨૬ના રોજ વહેલી સવારે સેક્ટર-૭ પોલીસ સ્ટેશન દ્વારા આ ૫૦ વર્ષીય મહિલાને તાત્કાલિક ધોરણે આશ્રય અર્થે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. મહિલા અત્યંત ડરેલા હોવાના કારણે શરૂઆતમાં કંઈ પણ જણાવી શકવાની સ્થિતિમાં ન હતા. વળી, તેઓ મહારાષ્ટ્રના જલગાંવની સ્થાનિક બોલી બોલતા હોવાથી ગુજરાતી કે હિન્દી ભાષા ન સમજી શકવાને કારણે ભારે અકળામણ અનુભવી રહ્યા હતા.
સેન્ટરમાં આવ્યા બાદ સ્ટાફ દ્વારા મહિલાને ચા-નાસ્તો કરાવીને સાંત્વના આપવામાં આવી હતી, જેથી તેમનો ડર ઓછો થયો અને તેઓ થોડા શાંત જણાયા. મહિલા જે ભાષા બોલતા હતા તે અજાણી ભાષાનું સચોટ નિરાકરણ લાવવા માટે સેન્ટર દ્વારા તેમની ભાષાનું રેકોર્ડિંગ કરી ગુજરાતીમાં અનુવાદ કરાવવામાં આવ્યો. આ પ્રયાસથી જાણવા મળ્યું કે મહિલા મૂળ મહારાષ્ટ્રના જલગાંવના છે. તુરંત જ જલગાંવ પોલીસ સ્ટેશન સાથે સંપર્ક સાધીને સેન્ટર દ્વારા માહિતી આપવામાં આવી. જલગાંવ પોલીસ દ્વારા સ્થાનિક ભાષામાં મહિલા સાથે વાતચીત કરતાં હકીકત બહાર આવી કે, તેઓ દસ દિવસ અગાઉ પોતાના દીકરા સાથે ગાંધીનગર આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં કોઈ સંબંધીની સારવાર અર્થે રોકાયા હતા. તે સવારે તેઓ સિવિલ હોસ્પિટલમાંથી કોઈને કહ્યા વગર ચા-નાસ્તો કરવા બહાર નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયા હતા અને પોલીસના માધ્યમથી સખી સેન્ટર સુધી પહોંચ્યા હતા.

પોલીસ દ્વારા મહિલાના દીકરા અને પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક સેન્ટર ખાતે દોડી આવ્યા હતા. પોતાની માતાને હેમખેમ જોઈને દીકરો ભાવુક થઈ ગયો અને માતાને ગળે વળગીને રડી પડ્યો હતો. પરિવારે આ વિકટ પરિસ્થિતિમાં માતાને સુરક્ષિત આશ્રય આપવા બદલ અને કુશળતાપૂર્વક પરિવાર સુધી પહોંચાડવા બદલ ગાંધીનગર સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ગાંધીનગર સખી વન સ્ટોપ સેન્ટરની આ સંવેદનશીલ અને સત્વર કામગીરીએ સાબિત કરી દીધું છે કે, મુશ્કેલીમાં મુકાયેલી દીકરીઓ કે માતાઓ માટે આ કેન્દ્રો સાચા અર્થમાં ‘સખી’ બનીને તેમને સુરક્ષા અને નવો રાહ પૂરો પાડે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *