દિવેલાના ઊભા પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટેના પગલાં જાહેર કરાયા
જિલ્લા ખેતીવાડી અધિકારી ગાંધીનગર દ્વારા દિવેલાના ઊભા પાકમાં સુકારો, મૂળનો કોહવારો, પાનના ટપકાંનો રોગ અને ગ્રે-મોલ્ડ જેવા રોગોના સંકલિત વ્યવસ્થાપન માટે ખેડૂતો લેવાના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. દિવેલા પાકને સુકારો અને મૂળનો કોહવારો જેવા જમીન જન્ય રોગોથી ખૂબ જ નુકસાન થાય છે. જેના નિયંત્રણ માટે રોગીષ્ટ છોડને ખેતરમાંથી મૂળ સાથે ઉપાડીને નાશ કરવો જોઈએ. મૂળના કોહવારાના રોગના નિયંત્રણ માટે કોઈપણ તાંબાયુક્ત દવા, જેમ કે કોપર ઓકઝીક્લોરાઈડ ૩૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને, અસરગ્રસ્ત છોડની આજુબાજુ આપીને ખુરપી વડે ગોદ કરવો પડે છે.
આ ઉપરાંત, ઓલ્ટરનેરીયા બ્લાઈટ અને પાનના ટપકાંના રોગની શરૂઆતમાં મેન્કોઝેબ ૦.૨૫% પ્રમાણે ૨૫ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા જોઈએ. ગ્રે-મોલ્ડ રોગની શરૂઆત થાય ત્યારે પ્રોપીકોનાજોલ ૧૦ મિ.લી. પ્રતિ ૧૦ લિટર પાણીમાં અથવા કાર્બેનડેઝીમ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઓગાળીને દવાનો છંટકાવ કરવો હિતાવહ છે. વધુમાં, દવાના વપરાશ વખતે દવા પર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટેનો ચોક્કસ ડોઝ અને ભલામણ અવશ્ય અનુસરવી જોઈએ. આ અંગે વધુ માહિતી કે માર્ગદર્શન માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરી શકાશે.

