ગાંધીનગર

ગાંધીનગર મનપાના નવનિયુક્ત પદાધિકારીઓ આવતીકાલે વિધિવત રીતે પદભાર સંભાળશે

તા. ૦૪ નવેમ્બર, ૨૦૨૬, ગાંધીનગર,

ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓનો પદભાર ગ્રહણ સમારંભ આવતીકાલ તારીખ ૦૫ નવેમ્બર, ૨૦૨૬ ને ગુરુવારના રોજ સવારે ૯:૦૦ કલાકે યોજાશે. પાટનગર ગાંધીનગરના સેક્ટર-૧૭ ખાતે આવેલી ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના ચોથા માળે આ વિશેષ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં નવનિયુક્ત પદાધિકારીશ્રીઓ શહેરના વિકાસ અને વહીવટી કામગીરીને આગળ ધપાવવા માટે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળશે.

આ ગરિમાપૂર્ણ સમારંભમાં ગાંધીનગરના નવનિયુક્ત મેયર તરીકે શ્રી રૂપસિંહ ઠાકોર, ડેપ્યુટી મેયર તરીકે શ્રીમતી અંજનાબેન મહેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શ્રી મહેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પટેલ(દાસ) પોતાનો હોદ્દો ગ્રહણ કરશે. આ ઉપરાંત મહાનગરપાલિકામાં શાસકપક્ષના નેતા તરીકે શ્રી જશપાલસિંહ બિહોલા અને દંડક તરીકે શ્રી સેજલબેન કનુભાઈ પરમાર પણ વિધિવત રીતે પોતાની નવી જવાબદારીઓ સંભાળશે. નવનિયુક્ત ટીમ દ્વારા પાટનગરના સર્વાંગી વિકાસ, પાયાની માળખાગત સુવિધાઓના વિસ્તરણ અને પ્રજાલક્ષી કાર્યોને વધુ ઝડપી તથા પારદર્શક બનાવવાની દિશામાં સક્રિય કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પદભાર ગ્રહણ પ્રસંગે ગાંધીનગર શહેરના પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓના અગ્રણીઓ, ચૂંટાયેલા કાઉન્સિલરશ્રીઓ પાર્ટી ના તમામ હોદ્દેદારો અને મહાનુભાવો , કાર્યકર્તાઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની શુભેચ્છા મુલાકાત લેશે અને તેમને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવશે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ પદભાર ગ્રહણ સમારંભમાં પધારવા માટે શહેરના નાગરિકો અને શુભેચ્છકોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *