ગાંધીનગર

ગાંધીનગરમાં અશ્વમેઘ ઇન્ફ્રાકોન અને VLEE ઇન્ફ્રાસ્ટ્રક્ચર LLP સામે કરોડોની છેતરપિંડીનો ગંભીર આરોપ!

સેન્ડલવુડ પ્રોજેક્ટમાં 20% ભાગીદારીની લાલચ આપી અમદાવાદના બિલ્ડર પાસેથી કરોડો પડાવ્યાનો આક્ષેપ; નિવૃત મામલતદારના બે પુત્રો સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ

ગાંધીનગર: ગાંધીનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કરોડોની કથિત છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના રાંદેસણ વિસ્તારમાં આવેલા ચર્ચાસ્પદ સેન્ડલવુડ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ભાગીદારી અપાવવાના નામે અમદાવાદના બિલ્ડર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ સમગ્ર મામલે અશ્વમેઘ ઇન્ફ્રાકોન અને VLEE ઇન્ફ્રાસ્ટ્રક્ચર LLPનાં નામ સામે આવતાં બિલ્ડર લોબીમાં ભારે ચર્ચા જાગી છે.

ફરિયાદ મુજબ, વર્ષ 2023માં અશ્વમેઘ બિલ્ડર બાબુભાઈ પટેલના પુત્રો શૈલેષ પટેલ અને પરેશ પટેલે અમદાવાદના NB ગ્રુપના બિલ્ડર નિશીથ બાબુલાલ શાહનો સંપર્ક કર્યો હતો. રાંદેસણ ખાતે ધોળેશ્વર મહાદેવ તરફ ટી.પી. નં. 55 અને એફ.પી. નં. 116 પર બની રહેલા સેન્ડલવુડ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની ઓફર કરવામાં આવી હતી.

આ પ્રોજેક્ટ અશ્વમેઘ ઇન્ફ્રાકોન અને VLEE ઇન્ફ્રાસ્ટ્રક્ચર LLP વચ્ચે 50-50 ટકાની ભાગીદારીમાં ચાલતો હોવાનું જણાવી નિશીથ શાહને કંપનીમાં 20 ટકા હિસ્સો આપવાની ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસ્તાવના આધારે તેમણે બેંક મારફતે રૂ. 3 કરોડ સહિત બાકીની રકમ રોકડમાં રોકાણ કરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

કરાર કર્યા બાદ સામે આવી હિસ્સેદારીની ચોંકાવનારી હકીકત

6 ઓક્ટોબર, 2023ના રોજ નોટરી સમક્ષ ભાગીદારી કરાર પણ કરવામાં આવ્યો હતો. જોકે, બાદમાં RERA, ઇન્કમટેક્સ અને રજિસ્ટ્રાર ઓફ ફર્મ્સ સમક્ષ ભાગીદારીમાં ફેરફારની કાયદેસરની પ્રક્રિયા કરવાની વાત આવી ત્યારે સામેવાળા પક્ષ તરફથી ટાળટૂળ કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદીએ વધુ તપાસ કરતાં એવો આક્ષેપ કર્યો છે કે તેમની સાથે ભાગીદારી કરાર થયા તેના ત્રણ મહિના અગાઉ જ, 30 જૂન, 2023ના રોજ અશ્વમેઘ ઇન્ફ્રાકોનનો 42 ટકા હિસ્સો અન્ય વ્યક્તિને નોટરી કરારથી વેચી દેવામાં આવ્યો હતો. આ હકીકત સામે આવતાં ભાગીદારીની ઓફર અને અગાઉના કરાર વચ્ચે ગંભીર સવાલો ઊભા થયા છે.

નિવૃત મામલતદારના પુત્રોનાં નામ પણ ફરિયાદમાં

આ કેસમાં નિવૃત મામલતદાર વિરમ દેસાઈના પુત્રો ક્રુણાલ દેસાઈ અને અર્પણ દેસાઈનાં નામ પણ સામે આવ્યાં છે. આ ઉપરાંત અશ્વમેઘ બિલ્ડરના પુત્રો શૈલેષ અને પરેશ પટેલ તથા રિતેશ રસિકભાઈ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે.

નોંધનીય છે કે નિવૃત મામલતદાર વિરમ દેસાઈ સામે અગાઉ ACB દ્વારા અપ્રમાણસર મિલકતનો મોટો કેસ નોંધવામાં આવ્યો હતો. તે કેસમાં રૂ. 30.47 કરોડની અપ્રમાણસર સંપત્તિ મળી આવી હોવાનો તપાસમાં ઉલ્લેખ થયો હતો.

રિયલ એસ્ટેટમાં રોકાણના નામે વિશ્વાસનો ખેલ?

સેન્ડલવુડ પ્રોજેક્ટમાં ભાગીદારીના નામે કરવામાં આવેલા આક્ષેપોએ ગાંધીનગરના રિયલ એસ્ટેટ વ્યવહારોમાં પારદર્શિતા અને રોકાણકારોની સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા કર્યા છે. કરોડોની રકમના રોકાણ બાદ ભાગીદારીનો હિસ્સો ન મળ્યાની ફરિયાદને પગલે હવે પોલીસ તપાસમાં સમગ્ર વ્યવહારની હકીકત બહાર આવે તે મહત્વનું બન્યું છે.

આ મામલે ઇન્ફોસિટી પોલીસે શૈલેષ બાબુભાઈ પટેલ, પરેશ બાબુભાઈ પટેલ, ક્રુણાલ વિરમભાઈ દેસાઈ, અર્પણ વિરમભાઈ દેસાઈ અને રિતેશ રસિકભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *